વડોદરા: વડોદરામાં જળબંબાકારના પગલે આખું વડોદરા મોટા સરોવરમાં ફેરવાઈ ગયું છે. શહેરમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદના પગલે જિલ્લા વહિવટી તંત્ર સતત ખડેપગે છે અને બચાવ કામગીર પૂરજોશમાં કરી રહ્યુ છે. અત્યાર સુધીમાં કુલ 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તંત્રએ સ્થાનિકોને બિનજરૂરી ઘરથી બહાર ના નીકળવા સૂચના આપી છે. જ્યારે બાજવામાં દીવાલ ધસી પડતાં 4 લોકોના મોત થયા છે. જ્યારે વીજકરંટથી 1 અને અન્ય એક ઘટનામાં 1 મોત થતાં કુલ 6 વ્યક્તિઓના મોત થયા છે.
આ પણ વાંચો:- વડોદરામાં પાણી જ પાણી: જનજીવન ખોરવાયું, સ્કૂલ કોલેજોમાં રજા, તો અનેક ટ્રેનો કરાઇ રદ
શહેરનો પોશ વિસ્તાર ગણતા ફતેગંજમાં પાણી ભરાઇ જતા NDRFની ટીમ દ્વારા લોકોને બહાર કાઢવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો ભારે વરસાદને કારણે MGVCLએ લોકોની સલામતી માટે વીજ પુરવઠો બંધ કર્યા હોવાની જાહેરાત કરી હતી. જેમાં સમા, અકોટા, ગોત્રી, વાસણા, ગોરવા, ઈન્દ્રપુરી, કારેલીબાગ, માંડવી, સરદાર એસ્ટેટ, ટાવર રોડ અને માંડવી વિસ્તાર વીજ પુરવઠો બંધ કરાયો હતો. જેને લઇ અડધા વડોદરાવાસીઓ વીજ પુરવઠો વગર ભારે વરસાદમાં રાત પસાર કરવી પડી હતી. ત્યારે વીજ પુરવઠો બંધ કર્યા બાદ હજી સુધી શરૂ કરવામાં આવ્યો નથી. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો:- વડોદરામાં જળબંબાકાર: ગ્રામ્ય વિસ્તારના અસરગ્રસ્ત લોકોનું કરાયું સ્થળાંતર
શહેરના સુભાષનગર અને પરશુરામ ભઠ્ઠા વિસ્તારના ઘરોમાં પાણી ભરતા ફાયરબ્રિગેડ દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ શહેરના તમામ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને ઘરોમાંથી બહાર ના નીકળવાની સૂચના આપવામાં આવી છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પરથી ઉપર આવતા શહેરનો કાલાધોડાનો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મોડી રાત અત્યાર સુધીમાં વિશ્વામિત્રી નદીનાં કિનારાના વિસ્તારોમાંથી અંદાજે 1500થી વધુ લોકોનું સ્થળાતંર કરવામાં આવ્યું છે. વડોદરાના ગ્રામ્ય તાલુકામાં અત્યાર સુધીમાં 962 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થાંળતર કરવામાં આવ્યું છે. સાથે જ તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- રાજ્યના 205 તાલુકામાં વરસાદ: વડોદરામાં બારે મેઘ ખાંગા, NDRF તૈનાત
વડોદરા ગ્રામ્યના ઉડેરા ગામમાં તળાવના આજુબાજુ વિસ્તારના 200 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેઓને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. સોખડા ગામના રામટેકરા વિસ્તારના પણ 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેઓને પણ પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. ભાયલી ગામના ગ્રાઉન્ડ વલ્ડ અને આંબેડકર ફળીયાના 150 લોકોનું પ્રાથમિક શાળામાં સ્થાંળતર કરવામાં આવ્યું છે. કોટલી ગામના નવીનગરી વિસ્તારના 150 લોકોનુ પણ ગામની પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 90 વેમાલીના 12 વરણામાના 70, ચાપડના 70, દેણાના 90 લોકોનું ગામની જ પ્રાથમિક શાળા સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ વિરોદ ગામના 20 લોકોનું આજુબાજુના ઉચાંણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે