ઉદય રંજન, અમદાવાદઃ નિકોલ વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનાને જોયા બાદ તો એવું લાગે છે કે માનવતા જાણે મરી પરવારી છે. એક વિકલાંગ વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી અને બાદમાં ખુલ્લા મેદાનમાં પડેલા માટીના ઢગલામાં તેની લાશ દાટી દીધી હતી. કહેવાય છે ને કે આરોપી કોઈને કોઈ સુરાગ જરૂર છોડી જાય છે. આ ઘટનામાં પણ કંઇક એવું જ બન્યું અને રહસ્યમય હત્યાનો ભેદ ખુલ્યો હતો.
નિકોલ મનમોહન ચાર રસ્તા પાસે આવેલા ખુલ્લા મેદાનમાં મૃત્યુ પામનાર વિકલાંગ મંગા પટણીની હત્યા કરી લાશને માટીના ઢગલાં છુપાવી દેવામાં આવી હતી. પરિવારજનોએ મોડી રાતથી ગાયબ થયેલા મંગાને શોધ્યો પણ મળ્યો નહીં. ત્યારબાદ પોલીસને જાણ કરતાં વિકલાંગ મંગાની સાયકલ ખુલ્લા મેદાનમાં પડેલી જોવા મળી હતી. તપાસ કરતાં સાયકલની બાજુમાં લોહીનું ખાબોચિયું ભરાયું હતું. જેથી પોલીસને શંકા ગઈ કે મંગાની હત્યા થઈ છે. આમતેમ શોધ કર્યા બાદ સાયકલની પાસે માટીના ઢગલામાં શંકા જતા પોલીસે તપાસ કરી ત્યારે વિકલાંગ યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
વિકલાંગ યુવકની લાશ મળી આવતા યુવકના ગુમ થયાનો ભેદ તો ઉકેલાઇ ગયો. પણ વિકલાંગ યુવકની હત્યાનું રહસ્ય હજુ પણ અકબંધ છે. જેને ઉકેલવા પોલીસ મથામણ કરી રહી છે. ઘટનાની વિગત વાર વાત કરીએ તો, બુધવારની રાત્રે વિકલાંગ યુવકને મળવા કમલ મારવાડી ઉર્ફે કાળુ નામનો યુવક આવ્યો હતો. તેણે મંગા પટણીને કહ્યું કે ચાલ ચક્કર લગાવીને આવીએ. જેથી તે કાલુ મારવાડી સાથે ચક્કર મારવા ગયો હતો. પણ મોડી રાત સુધી પરત ઘરે ન આવ્યો. જેથી પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો અને શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મનમોહન ચાર રસ્તા પાસે આવેલા ખુલ્લા મેદાનમાં વિકલાંગ યુવક મંગા પટણીની લાશ માટી નીચે દબાયેલી હાલતમાં મળી આવી હતી. લોહીના ખાબોચિયા અને મૃતક યુવકના માથામાં દેખાતા ગંભીર ઈજાના નિશાન જોતા હત્યા થઇ હોવાની હકિકત પૂરવાર થઈ હતી. જેમાં પોલીસે તપાસ દરમિયાન કમલ મારવાડી ઉર્ફે કાળુની ધરપકડ કરી લીધી છે અને હત્યા પાછળનું કારણ જાણવા પૂછપરછ હાથ ધરી છે.
નજીવી તકરારે એક વિકલાંગે જીવ ગુમાવવાનો વારો આવ્ય છે. પણ પોલીસ હજુ પણ શંકા કરી રહી છે કે હત્યા પાછળનું કારણ કંઈક બીજું હોઈ શકે છે. એટલે જ કમલ મારવાડી ઉર્ફે કાળુની સાથે અન્ય કોણ હતું તે જાણવા માટે પણ પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે