ઝી મીડિયા/વલસાડ :વલસાડની એક જાણીતી શાળામાં એક ચકચારી ઘટના બની છે. જે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. વલસાડની એક જાણીતી શાળામાં એક વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થિનીની પાણીની બોટલમાં ઊંદર મારવાની ઝેરી દવા નાંખી દેતા વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવી પડી છે.
બનાવની વિગતે વાત કરીએ તો વલસાડની જાણીતી એક સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેની સાથી મિત્ર વિદ્યાર્થિની પર અવારનવાર પ્રેમ કરવા માટે દબાણ કરતો હતો. પરંતુ વિદ્યાર્થિનીએ તેનો પ્રેમ કબૂલ્યો ન હતો. આખરે એકતરફી પ્રેમમાં પાગલ આ વિદ્યાર્થીએ ગુનાહિત પગલું ભર્યું હતું. મારી નહિ તો કોઈની નહિ થવા દઉં તેવી વૃત્તિ રાખી હતી. વિદ્યાર્થીનીની ગેરહાજરીમાં તેણે તેની પાણીની બોટલમાં ઝેરી દવા ભેળવી દીધી હતી. જોકે પાણી પીતા વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થિનીના પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જોકે આ મામલે વિદ્યાર્થિનીના પરિવારજનો
કેમેરા સામે કંઈ કહેવા તૈયાર ન હતા. તો પોલીસે પણ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડના ડીવાયએસપી એન.એમ ચાવડાએ જણાવ્યું કે, એક તરફી પ્રેમમાં પાગલ એક વિદ્યાર્થીએ ‘મારી નહીં તો કોઈની નહીં થવા દઉ’ એવી વૃત્તિ રાખી આ ગુનાહિત પગલું ભર્યું હતું. જેને કારણે એક વિદ્યાર્થીનીનો જીવ જોખમમાં મૂકાયો હતો. આમ વલસાડની આ જાણીતી સ્કૂલમાં બનેલી આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. જોકે વિદ્યાર્થિનીનો પરિવારે આ મામલે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે