અમિત રાજપૂત/દાંડી : સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન અને ત્યાર બાદ વિનસ હોસ્પિટલના લોકાર્પણ બાદ પીએમ મોદી દાંડી પહોંચ્યા છે. જ્યાં તેઓ હવે દાંડી મ્યૂઝિયમને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. તેમણે અહીં આખા મ્યૂઝિયમની વિઝીટ કરી હતી. તેમણે અહીં એક એક વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે પૂજ્ય બાપુની અહીં બનાવાયેલી 18 ફૂટની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સભાસ્થળેથી Live :
- દાંડીનું આ સ્મારક દાંડીના લોકો માટે રોજગારનું એક નવું સાધન બનશે. દાંડીનો ઉદ્ધાર થશે.
- વડા પ્રધાને જેવું ચા વાળાનું નામ લીધું કે સમગ્ર જનમેદની હસી પડી હતી અને વડા પ્રધાનને વધાવી લીધા હતા.
- આ પ્રવાસનની સાથે જ દાંડીમાં નવી આવકનું સાધન ઉભું થઈ જશે. આજે જ્યારે 20 સ્કૂલના બાળકો જો એકસાથે અહીં પ્રવાસમાં આવશે તો બિસ્કિટવાળો કમાશે, પાણીવાળો કમાશે, નાસ્તાવાળો કમાશે અને ચા વાળો પણ કમાશે.
- આ સાથે જ વડા પ્રધાને લોકો પાસે શપથ લેવડાવ્યા હતા કે, તમારા ઘરે કોઈ પણ મહેમાન આવે તો તેને અહીં દાંડીનું સ્મારક બતાવવા લઈ આવવાનું રહેશે. આ સાથે જ અહીં શાળાઓના બાળકોને પણ પ્રવાસ માટે લાવવાના રહેશે.
- ખાદી ઉપરાંત મધમાખી ઉછેર દ્વારા અમે ગ્રામીણ અર્થતંત્રને ઊંચે લાવવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતો મધમાખી ઉછેર કરીને ખેડૂતો સમૃદ્ધ બન્યા છે.
- અહીં દાંડીમાં પણ અમે સોલર ટ્રી બનાવ્યું છે. સોલાર ટ્રી દ્વારા જે વિજળી પેદા થશે તેનો ઉપયોગ જ અહીં દાંડી સ્મારકમાં કરવામાં આવશે.
- દેશભરમાં 50 સોલાર ક્લસ્ટરને સ્થાપિત કરવાની યોજના છે. તેનાથી 1 લાખ યુવાનોને રોજગાર પ્રાપ્ત થશે.
- ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવાનું કામ અમારી સરકારે કર્યું છે. અમે દરેક ગામમાં સર્વેક્ષણ કરીએ છીએ અને ગામનાં યુવાનોને રોજગાર આપવા માટે મિશન સોલાર ચરખા અભિયાન ચલાવ્યું છે.
- અમે ગાંધીજીના સિદ્ધાંતને સાકાર કર્યો છે.
- અમારી સરકારે ખાદીને એક બ્રાન્ડ બનાવી અને દેશ-દુનિયામાં તે પ્રખ્યાત થઈ ગઈ છે. ખાદીના જેકેટથી માંડીને અનેક વસ્તુઓની માગમાં વધારો થયો છે. અમે ખાદી સાથે જોડાયેલી 2000થી વધુ સંસ્થાઓનું આધુનિકીકરણ કર્યું છે.
- દુનિયાના તમામ કલાકારોએ ભાષા જાણતા ન હોવા છતાં, તેનો અર્થ જાણતા ન હોવા છતાં પણ દિલથી આ ભજન ગાયું અને એક નવી ક્રાંતિ સર્જાઈ.
- અમારા વિદેશ મંત્રાલયે ગયા વર્ષે એક નવું અભિયાન ચલાવ્યું હતું અને દુનિયાના 100 દેશના ગાયકો પાસે ગાંધીજીનું ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ' ગવડાવ્યું. આ રીતે અમે સમગ્ર વિશ્વને બાપુ સાથે જોડી દીધું હતું.
- આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં પણ તમામ ઝાંખીઓ ગાંધીજીના જીવન પર બનાવાઈ હતી. પ્રજાસત્તાક દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ મહાત્મા ગાંધીજીને સમર્પિત કર્યો હતો.
- મને આનંદ છે કે અમારી સરકારે જે ગ્રામીણ સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું હતું તે આજે 98 ટકા પર પહોંચ્યું છે. દેશમાં સ્વચ્છતાના અભિયાને નવી દિશા ઊભી કરી છે.
- બાપુનું નામ લઈને રાજનીતિ કરતા લોકોએ જો ગાંધીજીના સ્વચ્છતાના આગ્રહને અપનાવ્યો હોત તો પણ આજે દેશ નવી ઊંચાઈએ પહોંચી ગયો હોત.
- દેશમાં 9 લાખથી વધુ શૌચાલયનું નિર્માણ કરાયું છે. સ્વચ્છ ભારતનો વિરોધ કરતા લોકોને ગરીબ લોકોની જિંદગીની ચિંતા નથી. શૌચાલયના આ નિર્માણ કરવાને કારણે 3 લાખથી વધુ ગરીબ લોકોને બિમારીઓમાંથી મુક્તી મળી છે.
- એ લોકો જાણતા નથી કે નાનામાં નાના કામથી પણ મોટું પરિવર્તન લાવી શકાય છે. જેવી રીતે, ગાંધીજીએ એક ચુટકી નમકથી દેશમાં આઝાદીની લડાઈમાં નવો પ્રાણ ફૂંકી દીધો અને આઝાદીની લડાઈએ એક નવું સ્વરૂપ મેળવી લીધું હતું.
- એવો સવાલ પુછાતો હતો કે શું શૌચાલય નિર્માણથી કોઈ પરિવર્તન આવવાનું છે? સફાઈનું કામ વડા પ્રધાનનું છે? આવા અનેક સવાલો અમારી સામે ઉઠાવાયા છે.
- આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને પણ નામ લીધા વગર આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે, ચાર વર્ષ દરમિયાન અમારી સામે અનેક સવાલ ઉઠાવાયા છે.
- ગાંધીજીના આ સત્યાગ્રહને કારણે જ અંગ્રેજ સરકાર હચમચી ગઈ. લોકોમાં એક નવો જુવાળ ફુંકાયો અને સમગ્ર દેશ એક તાંતણે બંધાઈ ગયો.
- પરિણામ એ આવ્યું કે, ગાંધીજીના નમક સત્યાગ્રહે સમગ્ર દેશમાં વિશાળ આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું. બધા જ વેપારીઓ નમક સત્યાગ્રહમાં જોડાયા અને દેશભરમાં દુકાનો બંધ રાખવામાં આવી.
- ગાંધીજીએ નમક સત્યાગ્રહને દેશભરમાં આંદોલનનું સ્વરૂપ આપ્યું. અંગ્રેજો પણ ગાંધીજીના આ હઠાગ્રહને ઓળખવામાં થાપ ખાઈ ગયા.
- ગાંધીજી નમકની કિંમત જાણતા હતા અને સમાજના નમક સાથેના સંબંધને સારી રીતે ઓળખતા હતા. આથી જ તેમણે નમકની તાકાતનો ઉપયોગ કર્યો.
- ગાંધીજીએ જ્યારે સત્યાગ્રહ માટે નમકને પસંદ કર્યું ત્યારે તત્કાલિન કેટલાક નેતાઓને તેમની આ પદ્ધતિ સામે શંકા હતી, પરંતુ ગાંધીજીએ પોતાનું અભિયાન ચાલુ રાખ્યું.
- ગાંધીજી સારી રીતે જાણતા હતા કે માત્ર વિરોધથી જ આઝાદીનું આંદોલન સફળ નહીં થાય. તેમણે પોતાના સહયોગીઓને જણાવ્યું હતું કે, રચનાત્મક સહયોગથી જ આઝાદીની લડાઈમાં સફળતા મળશે.
- તેના પહેલા પશ્ચિમના લોકો બ્રિટનના ચશ્માથી જ ભારતને જોતા હતા.
- નમક સત્યાગ્રહને કારણે જ દેશની આઝાદીની લડાઈને એક નવી દિશા મળી હતી. દાંડીયાત્રાને કારણે પશ્ચિમી મીડિયાએ ભારતની સાચી ઓળખ દુનિયામાં આપી.
- અહીં આવનારા પ્રવાસીઓ દાંડીની ઐતિહાસિક ક્ષણને જીવી શકે તેના માટે અહીં નમક બનાવવાની સુવિધા પણ બનાવવામાં આવી છે.
- અહીં બનાવવામાં આવેલા સુંદર તળાવનું નિર્માણ, 80 કરોડના ખર્ચે પ્રવાસીઓના રોકાવા માટે દાંડી હેરિટેજ બનાવાઈ છે.
- પ્રવાસનની દૃષ્ટિએ પણ આ સ્મારક દાંડીને વિશ્વમાં સ્થાન અપાવશે.
- ગાંધીજીનું આ સ્મારક દેશ અને દુનિયાનું મહત્વપૂર્ણ તીર્થક્ષેત્ર બની જશે એ વાતનો મને વિશ્વાસ છે.
- ગાંધીજીના સમગ્ર જીવનનું અહીં બનાવેયાલ મ્યુઝમમમાં વણી લેવાયું છે.
- ગાંધીજીના આ સ્મારકનું નિર્માણ કરનારા તમામ કામદારોને હું સલામ કરું છું.
- ગાંધીજીની 150મી જન્મજયંતી પ્રસંગે આ દાંડી સ્મારકનું નિર્માણ રાષ્ટ્રને સમર્પિત કરતા મને ગર્વનો અનુભવ થાય છે.
- ગાંધીજીની સાથે-સાથે સરદાર પટેલને પણ હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. તેમણે સમગ્ર દાંડીયાત્રાનું આયોજન કર્યું હતું અને ગાંધીજીને ડગલે-ડગલે ચાલ્યા હતા.
- સભા સંબોધન સ્થળે મોટી સંખ્યામાં મેદની જોવા મળી. સભા સ્થળ પર મોદી મોદીના સૂત્રોચ્ચાર કરાયા. આખુ સભા સ્થળ મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યું
સમગ્ર દાંડી મ્યૂઝિયમનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું
દાંડી યાત્રાનું દ્રષ્ય જે અત્યાર સુધી માત્ર પુસ્તકોમાં હતુ, તે દ્રશ્ય હવે પહેલીવાર જમીન પર જોવા મળી રહ્યું છે. ત્યારે મહાત્મા ગાંધીજીની 71મી પુણ્યતિથિ નિમિત્તે આ દાંડી મ્યૂઝિયમનું ઉદઘાટન ગુજરાત માટે યાદગાર બની રહેશે. આજથી આવતીકાલથી આ સ્મારક ખુલ્લુ મૂકાશે. ત્યારે પીએમ મોદીએ આખા મ્યૂઝિયમની ચાલીને મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે આંદોલનમાં ભાગ લેનાર ચળવળકારીઓની પ્રતિમાઓની વચ્ચે ચાલીને પણ નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ ગાડી દ્વારા વૃક્ષોના રૂપે લગાવેલ સોલાર પેનલનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ મેમોરિયલની એક એક વસ્તુનું ઝીણવટભર્યું નીરિક્ષણ કરવામાં ચૂક્યા ન હતા. કારણ કે, આ પ્રોજેક્ટને તેમણે ખુદ મંજૂરી અપાવી હતી અને જલ્દી જ આ કામ પૂરુ કરવાનું સૂચન આપ્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાથે રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગાંધીજીની એક એક બાબતોને ધ્યાનમાં રાખીને આ સ્મારક ઉભું કરાયું છે.
દાંડી મ્યૂઝિયમની ખાસિયત
- -દાંડીકૂચ દરમિયાન બાપુ સાથે જોડાયેલા 81 આઝાદીના લડવૈયાઓની પ્રતિમાથી દાંડીયાત્રાને જીવંત બનાવવાનો પ્રયાસ કરાયો
- ગાંધીજી જે 24 ગામમાં રોકાયા હતા તેની ઝાંખીરૂપે ગામના સ્મારક પણ મૂકાયા
- 15 એકરમાં તેને બનાવવામાં આવ્યું છે. સ્મારકની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર તૈયાર કરાયું છે. આ સરોવરમાં મીઠું પકવવામાં આવશે.
- સરોવરની આજુબાજુ પાથ-વે બનાવાયા છે. પ્રવાસીઓ માટે અહીં કાફેટેરિયા, પાર્કિગ, લાઈબ્રેરી, હોલ વગેરે જેવી સુવિધાઓ મૂકાઈ છે.
- ગાંધીબાપુની 18 ફૂટની પંચધાતુની પ્રતિમા મૂકાઈ છે.
- 40 મીટરનો ઊંચો ક્રિસ્ટલ ટાવર પણ ઉભો કરવામાં આવ્યો છે. જે ક્રિસ્ટલ ટાવર દીવાદાંડીનુ પણ કામ કરાયું છે.
- ટાવરની નીચે પંચધાતુની મહાત્મા ગાંધીજીની 15 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી છે.
- વિશાળ સોલાર પાર્ક બનાવાયો છે, જેમાં 41 સોલાર ટ્રી લગાવવામાં આવ્યા છે. આ સોલાર ટ્રીઝ દ્વારા ઉત્પન્ન થનારી વીજળીનો સ્મારકમાં ઉપયોગ કરાશે.
PM મોદી @દક્ષિણ ગુજરાત : કહ્યું-ગાંધીજીના દર્શનને સુરતે જમીન પર ઉતાર્યા છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે