અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતીથી વિજય મેળવ્યો છે. બીજી બાજુ પીએમ મોદીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. આમ તો પીએમ મોદી આવતીકાલે આવવાના હતા, પરંતુ આજે મોડીરાત્રે 10 વાગે જ પીએમ મોદી ગુજરાત આવી જશે. ભૂપેન્દ્ર પટેલની સરકારના શપથ ગ્રહણ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી એરપોર્ટથી ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો કરી શકે છે.
પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
એટલું જ નહીં, નવી સરકારની શપથવિધિ કાર્યક્રમમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મોડી રાત્રે ગુજરાત આવશે અને આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિમાં હાજરી આપશે.
મહત્વનું છે કે ગઈકાલે ધારાસભ્ય દળની બેઠક થઈ હતી અને ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ છે. તેમના નામનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના વિજેતા ધારાસભ્યો કમલમ પહોંચ્યા હતાં. કનુ દેસાઈએ પ્રસ્તાવ મૂકયો હતો, જેને પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષાબેન વકીલ અને રમણ પાટકરે ટેકો આપ્યો હતો.
આમ સર્વાનુમતે ભપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ પાસ કરાયો છે. ત્યારે આવતીકાલે થનારી શપથવિધિમાં પીએમ મોદી ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. આ ઉપરાંત કેન્દ્રિય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે. સાથે જ સાધુ સંતો અને સામાજિક આગેવાનો સહિત 10 હજારથી વધુ મહેમાનો હાજરી આપવાના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે