બ્રિજેશ દોશી/અમદાવાદ :રાજ્યમાં વધુ એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે આ બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
ગત સપ્તાહે રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ 2 દિવસ વિરામ લીધો હતો. આજ સુધીમાં મોસમનો કુલ વરસાદ 63 ટકા થઇ ચૂક્યો છે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને બાદ કરતા તમામ જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળ્યો છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમના કારણે 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ જોવા મળશે.
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આ વખતે વરસાદ જોવા મળશે તેવો હવામાન વિભાગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં પણ આવતીકાલથી વરસાદની શરુઆત થશે અને 9 ઓગસ્ટ ભારે વરસાદની આગાહી છે. મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનથી પણ વરસાદ લાવશે તેવી હવામાન વિભાગને આશા છે. 8 થી 10 ઓગસ્ટ દરમિયાન જે વરસાદ પડશે તેનાથી રાજ્યમાં 70 થી 75 ટકા વરસાદ પૂર્ણ થઇ જશે તેવી શક્યતા હવામાન વિભાગ જોઇ રહ્યું છે. દક્ષિણ ગુજરાતને બાદ કરતા તમામ જિલ્લાઓમાં વરસાદની જરૂર છે ત્યારે વરસાદની આ રાઉન્ડથી અન્ય જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતા છે તેવુ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.જયંત સરકારે જણાવ્યું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે