અમદાવાદ: અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ શરૂ થઇ છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી વરસી રહેલા ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદથી કેટલાક વિસ્તારોમાં વીજળી ડુલ થતા પહેલા વરસાદે જ તંત્રની પોલ ખુલ્લી થતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી અપાઇ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ભારે વરસાદની આગાહીથી તંત્ર સાબદુ થયું છે. કંટ્રોલ રૂમ થી તમામ જિલ્લા સાથે સંકલન સાધવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રને પણ સતર્ક રહેવા અપાઈ સૂચના અપાઇ છે. રાજ્યમાં NDRFની ટીમોને સતર્ક રહેવા સૂચના અપાઇ છે. હાલ ગુજરાતમાં 10 NDRFની ટીમો છે.
PICS વહેલી સવારે અમદાવાદમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી
અમદાવાદમાં જોરદાર પવન અને વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ધોધમાર વરસાદથી અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં ડીંચણસમાણા પાણી ભરાયા છે. પાણી ભરાતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદના સિટીએમ વિસ્તારમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં લોકોના ઘરમાં કેમિકલ યુક્ત પાણી ઘુસ્યા છે. ઇન્દ્રપુરી વોર્ડ સોસાયટી પાસે પાંચથી વધુ સોસાયટીમાં કેમિકલવાળા પાણી ફરી વળ્યા છે. મેઈન હોલમાં લીકેજ થતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. લોકો ઘરની બહાર રહેવા મજબુર થયા છે. પ્રથમ વરસાદે અમદાવાદના અનેક વિસ્તારમાં તંત્રની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. ચામુંડા બ્રિજ પાસે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભીમ અગિયારસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન
તો તરફ હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું છે. જ્યારે ખોખરા હાઉસિંગ વિસ્તારમાં પણ પાણી ભરાઇ ગયા છે. જશોદાનગર પુનિતનગર ક્રોસિંગ, CTM કુશાભાઉ ઠાકરે હોલ પાસે પાણી ભરાયા છે. તો રબારી કોલોનીના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા હતા. તો એક્સપ્રેસ વે હાઇવે રાધિકા પાર્ક સોસાયટી પાસે પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલી થઇ રહી હતી.
અમદાવાદમાં વહેલી સવારથી પવન અને વીજળી સાથે વરસાદ શરૂ થયો છે ત્યારે પવન સાથે મેઘરાજાનું આગમન થતાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. આંબાવાડી વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું છે. પવન સાથે વરસાદ પડતાં વૃક્ષ ધરાશાયી થયું છે. જો કે સવારના સમયે ઘટના બનતા કોઇ જાનહાનિ થઇ ન હતી.
પ્રથમ વરસાદનું આગમન થતા જ અમદાવાદ શહેરમાં ભુવા પડવાની ઘટનાની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા કાંકરિયા વિસ્તારમાં આવેલા અપ્સરા આરાધના ટોકિઝ પાસે રોડની સાઇડમાં ભુવો પડવાની ઘટના બની છે. ભુવો પડતા AMC ની પ્રિ-મોન્સુન કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ડાંગ, તાપી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હળવો વરસાદ
છોટા ઉદેપુર
છોટા ઉદેપુરમાં બીજા દિવસે પણ સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધારે સંખેડામાં વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુર, બોડેલી, કવાંટ, નસવાડી, પાવી જેતપુરમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી ગઇ છે. પ્રથમ વરસાદમાં જ વીજળી ગુલ થતાં લોકો મુશ્કેલીમાં પણ મુકાયા હતા.
બીજા દિવસે પણ રાત્રી દરમિયાન છોટાઉદેપુર જીલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો હતો , જીલ્લામાં સૌથી વધુ સંખેડામાં મૌસમની પહેલી વખતની એન્ટ્રીમાં જ 55 mm વરસાદ ખાબક્યો હતો, તો જીલ્લામાં છોટાઉદેપુર માં 20 mm , બોડેલીમાં 17 mm , કવાંટમાં 27 mm , નસવાડીમાં 19 mm અને પાવીજેતપુરમાં 1 mm વરસાદ ખાબક્યો છે, દિવસભર ઉકળાટ રહ્યા બાદ વરસાદ થતા થોડી રાહત મળી છે , તો જીલ્લામાં વરસાદ શરુ થતાં જ વિજળી ડુલ થવાથી લોકો હેરાન છે.
જસદણ
રાજકોટના જસદણમાં વહેલી સવારથી વરસાદ શરૂ થઇ ગયો છે. રવિવાર હોવાથી વરસાદની મજા માણવા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. બે કલાકમાં જસદણ પંથકમાં અડધો ઈંચથી લઇને એક ઈંચ વરસાદ નોધાયો હતો. જસદણ પંથકમાં બીજા દિવસે પણ વરસાદ પડતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
બોટાદ
બોટાદ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. ગઢડા,ઢસા,બરવાળા,રાણપુરમાં વરસાદ થઇ રહ્યો છે. વરસાદની શરૂઆત સાથે જ મોટા ભાગના વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી છે.
કડી
મહેસાણાના કડીમાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થઇ ગયો છે. ધીમીધારે વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાં રાહત મળી છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. ભાવનગર શહેર અને આજુબાજુનાં વિસ્તારોમાંમાં વરસાદ શરૂ થયો છે. જો કે વાવણીલાયક વરસાદની ખેડૂતો હજુ રાહ જોઇ રહ્યા છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકો આનંદમાં આવી ગયા છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. વઢવાણમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદે એન્ટ્રી કરી હતી. તો લીંબડી ,ચુડા, લખતર ,સાયલા અને ધાગધ્રા તાલુકાઓમાં પણ કયાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરમાં વહેલી સવાર થી જ વરસાદ શરૂ થતાં લોકો છત્રી લઈને વરસાદની મજા માણવા બહાર નિકળ્યા હતા.
અમરેલી
અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા,બાબરા અને વડીયામાં વહેલી સવારથી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસર હતી. બાબરામાં એક કલાકમાં એક ઈંચ વરસાદ જયારે ગ્રામ્ય વિસ્તારોમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાતા લોકોએ ગરમી અને બફારાથી રાહત મેળવી હતી. ધીમી ધારે વરસેલા વરસાદથી ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે