રક્ષિત પંડ્યા/રાજકોટ :એક તરફથી રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં લોકડાઉન (Lockdown Extended)ની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલે 3 મેના રોજ પૂર્ણ થતું લોકડાઉન હવે 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. ગઈકાલે જ રાજકોટ (rajkot) ને ઓરેન્જ ઝોનમાં સમાવવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, લોકડાઉનના આ સમયગાળા દરમિયાન ભારતભરમાં વિમાનીસેવા, રેલ સેવા, મેટ્રો સેવા, શાળા-સ્કૂલ-કોલેજ, યુનિવર્સિટી, મલ્ટિપ્લેક્સ મોલ, સિનેમા, નાટ્યગૃહ તમામ બંધ રહેશે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના પારડી ગામે આવેલ સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા lockdown નો ભંગ કરવામાં આવ્યો હતો. ધોરણ એક થી આઠના 100 જેટલા વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા શાળાએ બોલાવવામાં આવ્યા હતા.
5 રાજ્યોનો ગુજરાતમાંના પરપ્રાંતીયોઓને સ્વીકારવાનો ઈન્કાર, યુપી સરકારે બસોને એન્ટ્રી જ ન આપી
Video સોશિયલ મીડિયામાં વાયરલ
રાજકોટ-જિલ્લામાં લોકડાઉનના લીરે લીરા ઉડાવતો કિસ્સો આવ્યો સામે છે. લોધિકા તાલુકાના પારડી ગામની શાળાનો વીડીયો ગામ લોકોએ વાયરલ કર્યો છે. વેકેશન હોવા છતાં સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પત્ર લેવા બોલાવ્યા હતા. પ્રાથમિક શાળામાં ધો. 1 થી 8 ના 100 જેટલા વિધાર્થીઓને એકત્ર કરવામાં આવ્યા હતા. આ વાતની જાણ થતા જ મીડિયા સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યું હતું. તેથી શાળાના સંચાલકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી રજા આપી દેવામાં આવી હતી. જોકે, શાળાના શિક્ષકો અને આચાર્યે વિદ્યાર્થીઓ બોલાવવા બાબતે મૌન સેવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા
વિદ્યાર્થીઓને શાળા સંચાલકો દ્વારા બોલાવવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા દ્વારા તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. શાળાના આચાર્ય તેમજ શિક્ષકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. દંડાત્મક કાર્યવાહી જિલ્લા શિક્ષણ અધિકારીના રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવશે તેવું જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે સતત સરકાર દ્વારા તેમજ તંત્ર દ્વારા બાળકો ગર્ભવતી મહિલા તેમજ વૃદ્ધ વયના ઉંમરના લોકોને ઘરની અંદર જ રહેવાની અપીલ કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારના શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ફરજ પાડવામાં આવી રહી છે કે તેઓ શાળાએ આવે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા શાળા સંચાલકોને શિક્ષકો વિરૂદ્ઘ ગુનો દાખલ કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે