રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. શહેરમાં કુલ 24 કોવિડ હોસ્પિટલ આવેલી છે. જેમાંથી 21 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ખામી સામે આવી છે. રાજકોટના ફાયર વિભાગ દ્વારા આ 21 હોસ્પિટલને ખામી દૂર કરવા નોટિસ ફટકારાઈ છે.
કઈ કઈ હોસ્પિટલમાં ખામી નીકળી
આ 21 હોસ્પિટલમાં શહેરની રત્નદીપ હોસ્પિટલ, ક્રાઇસ્ટ હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ, મંગલમ હોસ્પિટલ, સત્કાર હોસ્પિટલ, ચિરાયુ હોસ્પિટલ, પથિક હોસ્પિટલ, જયનાથ હોસ્પિટલ, સૌરાષ્ટ્ર કોવિડ કેર હોસ્પિટલ, નીલકંઠ હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, પરમ હોસ્પિટલ, સેલસ હોસ્પિટલ, જેનિસિસ હોસ્પિટલ, રંગાણી હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ, દેવ હોસ્પિટલ, હોપ હોસ્પિટલ, ઓરેન્જ હોસ્પિટલ, શાંતિ હોસ્પિટલમા નાની મોટી ખામીઓ સામે આવી છે.
નોંધનીય છે કે, રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ સમગ્ર રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા. આગ લાગેલી હોસ્પિટલમાં પણ ફાયર સેફ્ટીની ખામી હોવાની સામે આવ્યું હતું. ત્યારે તાત્કાલિક ફાયર વિભાગની ચાર ટીમો બનાવવામાં આવી હતી. આજ ટીમ દ્વારા દરરોજ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં જઈને ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરાઇ હતી. જેમાં દર્દીઓના લઈ જવામાં આવતા દરવાજા ન હોવા, ફાયર સેફટીના કેટલાક સાધનો બંધ હોવા સહિતની ખામીઓ સામે આવી હતી.
ત્યારે જે હોસ્પિટલને નોટિસ ફટકારી ખામી અંગે જવાબ પણ માંગવામાં આવ્યા છે. તેમજ આજે હોસ્પિટલમાં રી ચેકિંગની કામગીરી પણ કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલ ઉપરાંત શહેરની અન્ય નાની મોટી 30 જેટલી હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા ત્રણ ટીમોની મદદથી ચેકિંગ કરાઈ રહ્યું છે. આ અંગે ચીફ ફાયર ઓફિસર જણાવ્યું હતું કે, જો કોઈ હોસ્પિટલમાં ફરી ખામી જણાશે તો તેમની સામે પગલાં પણ લેવાશે.
સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલને પણ નોટિસ
સમગ્ર રાજકોટ શહેરમા ફાયર સેફ્ટીને લઈને હોસ્પિટલમા તપાસ શરૂ કરવામાં આવી છે. જે દરમિયાન રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં આવેલ સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલ પણ તંત્રની ઝપેટમાં આવી છે. જેમાં ફાયર સેફ્ટી ન હોવાના કારણે મનપાના ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટી સુવિધા પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં તપાસ બાદ ફાયર સેફ્ટીની અપૂર્ત્તા માલૂમ પડે છે, તો મંજૂરી અને NOC મળ્યા કેવી રીતે તે સવાલ પણ સામે આવી રહ્યા છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે