અમિત રાજપૂત/અમદાવાદ :ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજામાં પારિવારિક વિખવાદો હવે લોકો સામે આવી રહ્યાં છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાયેલા રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા હવે કરણી સેનામાં પણ જોડાયા છે. અહી મહત્વની બાબત એ છે કે, રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા કરણી સેના ગુજરાત મહિલા સેલના પ્રમુખ છે, ત્યારે હવે બહેનને ગુજરાત મહિલા સેલના પ્રભારી બનાવાતા નણંદ-ભાભી વચ્ચે મોટી જંગ જામશે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાની રાજપૂત કરણી સેનામાં ગુજરાત મહિલા સેલના પ્રભારી તરીકે નિમણૂંક કરાઈ છે. તો બીજી તરફ, રવિન્દ્ર જાડેજાના પત્ની રિવા બા ગુજરાત મહિલા સેલના પ્રમુખ છે. તો બીજી તરફ, રિવા બા ભાજપ સાથે સંકળાયેલા છે, અને નયના બા કોંગ્રેસમાં. પ્રતિસ્પર્ધી પક્ષો બાદ હવે કરણી સેનામાં પણ નણંદ-ભાભી વચ્ચે જંગ જોવા મળી શકે છે. રાષ્ટ્રીય કરણી સેના દ્વારા પ્રેસનોટ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, નયના બા તાજેતરમાં જ પિતા સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. આ સમાચારે ગુજરાતના રાજકારણમાં ચર્ચા જગાવનારા હતા. તો તેના બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ ટ્વિટરના માધ્યમથી ભાજપને સમર્થન જાહેર કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે