sardar vallabhbhai patel jayanti બુરહાન પઠાણ/આણંદ : અખંડ ભારતના ઘડવૈયા અને ગુજરાતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો બોરસદની ધરતી સાથે અનેરો નાતો જોડાયેલો રહ્યો છે. વકીલની પદવી પ્રાપ્ત કર્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલએ બોરસદની કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી અને ફોજદારી કેસોમાં અંગ્રેજ સરકારને તેઓએ હંફાવી હતી. સરદાર વલ્લભભાઈના જીવનની એ. મહત્વની ઘટના આ કોર્ટ સાથે સંકળાયેલી છે. જે આજના નવા વકીલો માટે પ્રેરણાદાયી છે. સરદાર પટેલે જે કોર્ટમાં કેસ લડતા હતા, તે ઈમારતનું રીનોવેશન કરી સરદાર પટેલની સ્મૃતિઓને જાળવી રાખવામાં આવી છે.
બોરસદ શહેર સાથે સરદાર પટેલની અનેક સ્મૃતિઓ જળવાયેલી છે. બોરસદની કોર્ટમાં સરદાર પટેલે ફોજદારી કેસો લડીને અંગ્રેજ સરકારને હંફાવી હતી. સરકાર જે કેસ હાથમાં લે તેમાં જીત મેળવીને જ જંપતા. 1909 ના વર્ષની વાત છે. સરદાર પટેલ બોરસદની કોર્ટમાં હત્યા કેસમાં મહત્વની દલીલો કરી રહ્યા હતા ત્યારે મુંબઈની હોસ્પિટલમાં કેન્સરની સારવાર લઈ રહેલા તેમના પત્નીનું નિધન થયું હતું. મુંબઈથી સરદાર પટેલને તેમની પત્નીના મૃત્યુના સમાચાર આપવા ટેલિગ્રામ કરવામાં આવ્યો હતો. જે ટપાલીએ આવી કોર્ટમાં તેમને એક ટેલિગ્રામ આપ્યો. સરદાર પટેલે આ ટેલિગ્રામ વાંચી જાણે કઈ બન્યું નાં હોય તેમ પોતાની દલીલો ચાલુ રાખી હતી. દલીલો બાદ તેઓ હત્યાના ગુનામાં આરોપીને નિર્દોષ છોડાવવામાં સફળ રહ્યા હતા.
પગ નીચે રેલો આવતા AMC એ નવી ઢોર નીતિ બનાવી, પશુપાલકોએ આપ્યા મોટા સૂચનો
કોર્ટના ચુકાદા બાદ જ્યારે સરદાર પટેલ કોર્ટ રૂમમાંથી બહાર આવ્યા ત્યારે સાથી વકીલ મિત્રોએ તેઓને ટેલિગ્રામ બાબતે પૂછપરછ કરી. ત્યારે સરદાર પટેલે પોતાની પત્નીનું નિધન થયું હોવાના સમાચાર સૌને આપ્યા હતા. ત્યારે સરદાર પટેલની આવી દુઃખદ ઘટનામાં પણ ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઈ લોકો નત મસ્તક થઈ ગયા હતા,
આજે આ કોર્ટ બીજા સ્થળે ખસેડી લેવામાં આવી છે. પરંતુ સરદાર પટેલની આ સ્મૃતિઓ ઐતિહાસિક કોર્ટમાં જળવાઈ રહે તે માટે કોર્ટ ઇમારતનું રીનોવેશન કરી જાળવી રાખવામાં આવી છે. તેમજ સરદાર પટેલ કોર્ટમાં વકીલાત કરતા હોય તેવુ એક તૈલચિત્ર પણ લગાવવામાં આવ્યું છે.
બોરસદમાં જયારે બહારવટિયાઓનો ત્રાસ હતો ત્યારે અંગ્રેજ સરકારે બોરસદની જનતા પર હૈડિયા વેરો નાંખ્યો હતો, આ હૈડિયા વેરાના વિરોધમાં સરદાર પટેલે બોરસદ સત્યાગ્રહ કરી અંગ્રેજોને હંફાવતા અંગ્રેજોએ અંતે આ હૈડિયા વેરો પાછો ખેંચવાની ફરજ પડી હતી. આમ સરદાર પટેલના નેતૃત્વમાં બોરસદ સત્યાગ્રહમાં વિજય થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે