અતુલ તિવારી/હિતલ પારેખ/ગાંધીનગર :ઉપલેટા અને જૂનાગઢના આકાશમાં જોવા મળેલા લાઈટના ચમકારો અને જોરદાર ઘડાકાથી કુતુહલ સર્જાયું છે. આકાશમાં જોવા મળેલ આ ઘટનાથી લોકોમાં ગભરાટ સાથે અનેક પ્રકારની વાતો ફેલાઈ છે. જોકે આ લાઈટનો ચમકારો અને જોરદાર ઘડાકો સંભળાયો એની પાછળનું કારણ શુ હોઈ શકે એ જાણવા ઝી 24 કલાકની ટીમે ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક ધનંજય રાવલ સાથે વાતચીત કરી છે.
આ પણ વાંચો : હવે છુપાઈ છુપાઈને નથી પીવો દારૂ, ગુજરાતમાં દારૂની પરમિટ માંગનારાઓની સંખ્યા વધી
લાલ કલરનો પ્રકાશ સેટેલાઈટ હતો
આ લાલ પ્રકાશ વિશે ધનંજય રાવલે કહ્યું કે, આવી ઘટનાથી ડરવાની જરૂર નથી, આ એક સામાન્ય ઘટના છે. જુદા જુદા સંશોધનો માટે અવકાશમાં અનેક સેટેલાઈટ છોડવામાં આવેલા હોય છે, આવા હજારોની સંખ્યામાં સેટેલાઈટ અવકાશમાં તરતા હોય છે. જે મુજબ અવકાશમાં લાઈટ જોવા મળી છે એ જોતાં અવકાશથી તૂટી પડેલો કોઈ સેટેલાઈટ હોય એવું લાગે છે. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે, ત્યારે પણ તે સેટેલાઈટ હોય તેવું સ્પષ્ટ થયું છે. એ સિવાય દેખાયેલી જ્વાળા પીળા અને લાલ કલરની દેખાય છે. ઉપલેટામાં એક ઘડાકો પણ સંભળાયો હતો, એના લીધે એવું પણ અનુમાન લગાવી શકાય કે કોઈ એરક્રાફ્ટ ક્રેશ થયું હોય. કેમ કે, વિમાનમાં બળતણ તરીકે જે ગેસોલિનનો ઉપયોગ થાય છે એ સળગવાથી આવા કલરની જ્વાળા બને છે.
આ પણ વાંચો : ભાવનગરના હાઈવે પર ગેરકાયદેસર બાયોડીઝલનો વેચતા બે પંપ ઝડપાયા
રાત્રે 50 થી 60 સેટેલાઈની લાઈટ એક જ લાઈનમાં દેખાતી હોય છે
તો સાયન્સ સિટીના નરોત્તમ સાહુએ જણાવ્યું કે, આકાશમાં આ પ્રકારની ઘટના જોઈએ તો માનવ સહજને જાણવાની કુતુહલ જાગે છે. અલગ અલગ સેટેલાઇટ પૃથ્વીની આસપાસ ફરતા રહે છે. લો ઓરબીટમાં સેટેલાઇટ હોય છે. 400 કિમી ઉપર જઈએ તો આવા સેટેલાઇટ જોવા મળે છે. લગભગ 3000 જેટલા સેટેલાઇટ આકાશમાં ફરતા જોવા મળે છે. રાતમાં 50 થી 60 લાઈટ એક જ લાઈનમાં જતી જોવા મળે છે. આ લાઈટ ફાયર બોલ જેવી હોય છે. તે ઉલકા નહિ પણ સેટેલાઇટ હતા.
ગાંધીનગર-અમદાવાદમાં પણ લાલ લાઈટ દેખાઈ
રાજકોટમાં રાત્રિ દરમિયાન આકાશમાં દેખાયેલી લાઈટો બાદ આજે સવારે ગાંધીનગર અને અમદાવાદના આકાશમાં પણ સ્પેસ શટલ જોવા મળ્યું હતું. સાયન્સ સિટીના નરોત્તમ સાહુના દાવા પ્રમાણે તેઓએ ગાંધીનગર-અમદાવાદના આકાશમાં સ્પેસ સ્ટેશન જોયું. આકાશમાં આ પ્રકારના સેટેલાઈટ વખતોવખત દેખાતા હોવાનો દાવો તેમણે કર્યો છે. ખાસ કરીને ચોમાસાના ગાળા દરમિયાન આકાશમાં પ્રદૂષણ નહિવત હોવાના કારણે આવી ઘટનાઓ બનતી રહે છે તેવુ તેમણે જણાવ્યું.
તો ઉપલેટાના મામલતદાર જીએમ મહાવદીએ ગઈકાલ રાત્રિના બનેલી આકાશી ઘટના મામલે કહ્યું કે, ગઈકાલે રાત્રે જે ઘટના બની છે તે કોઈ ટેક્નિકલ બાબત હોઈ શકે છે. તેમાં કદાચ બાજુના જામનગર જિલ્લાના સમાણા ગામ પાસે આવેલ મિલિટરી એરબેઝ આવેલ છે. તેના પ્લેન અવારનવાર નીકળતા હોય, તેમની તાલીમ પ્રક્રિયા હોઈ શકે. આ સિવાય બીજું ક્શુ હોઈ ન શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે