Rajkot News : વિવાદોનું ઘર બનેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ ઉમેરાયો છે. વિદ્યાના ધામમાં હવે એક કવિતાને કારણે વિવાદ ઉઠ્યો છે. રોજ રોજ કૌભાંડ આવે... ગુજરાતી ભવન વડાએ લખેલી કટાક્ષ કવિતાથી ચર્ચા ઉઠી છે. આત્મીય યુનિવર્સિટીમાં 33 કરોડની ઉચાપતથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ગણિતશાસ્ત્રના વડા સમીર વૈદ્ય ચર્ચામાં છે. ત્યારે આવા સમયે આ કવિતા બહાર આવી છે. સમીર વૈદ્ય પર કવિતાથી કટાક્ષ કરાયો છે. ગુજરાતી ભવનના વડા મનોજ જોષીની લખેલી કવિતા વાયરલ થઇ છે. જેમાં તેઓએ પોતાના મનની લાગણી કવિતામાં વ્યક્ત કરી છે. આ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ કવિને નોટિસ ફટકારી છે.
ગુજરાતી ભવનના વડાએ લખેલ કવિતા
રોજરોજ કૌભાંડ જ આવે,
બોલ ભાઈ ભજીયા શેં ભાવે
કોઈ ફસાયા કેસ મહીં તો કોઈ થયા સસ્પેન્ડ
થયા એટલા કાંડ કે જેનો આવે ના ધી એન્ડ
રાજ્યસભાના સભ્ય થયા નારાજ, કરી ફરિયાદ
ભેદભાવથી ભાગ પડાવ્યા એવો જાતિવાદ
સમીર એટલે હવા અને એ ઉડી ગયો પરદેસ
કોઈ નથી બાકી એમાંથી, સૌ પર ચાલે કેસ
ફક્ત નામનો, નથી કામનો ખૂબ કર્યું નુકસાન
કયા શુકનમાં ચાર્જ લીધો તે ચાલુ થઇ ગઈ પડતી
એની નબળી નીતિ અને પટલાઇ સૌને નડતી
બંધ કરાવી કોલેજો એ નાઘેડી કે ધારી
શિક્ષણની કરી દુર્દશા કરતો ભૂંડી કારી
સૌને નડતો, પગમાં પડતો પોતે એક પનોતી
હવે અમારી સંસ્થા ઉદ્ધારકની વાટુ જોતી
મીડિયા, જનતા, છાત્ર આપતા શાપ , શરમ ના આવે?
બધાં મોરચે થયો વિફળ ને તો પણ ભજીયા ભાવે ?
રાજકોટ આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગવલ્લભ સ્વામી પર કોડોની ગોલમાલ કર્યાના આરોપ લાગ્યો છે. જેમાં 32.26 કરોડ કૌભાંડ થયા હોવાનું પ્રથમિક તારણ છે. ટી.વી સ્વામી દ્વારા સત્સંગીઓ નામે અલગ અલગ 20 બેંકના ખાતા ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ
ખાતા ખોલાવી ત્યાગ વલ્લભ સ્વામી બેંક તમામ દસ્તાવેજ પોતાના પાસે રાખતા હોવાનું સામે આવ્યું હતું. 20 જેટલા ખાતામાં 9 જેટલા ખાતા સાધ્વીજીના હોવાનું પણ ખૂલ્યુ હતું. આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભદાસે 33 કરોડની છેતરપિંડી આચર્યાના આરોપમાં હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડાનું નામ પણ ખૂલ્યુ હતું. આ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડા સમીર વૈદ્ય અને ત્યાગ વલ્લભ સ્વામીએ કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે