Home> Gujarat
Advertisement
Prev
Next

કચ્છની અનોખી પહેલ, કચ્છી કલા અજરખથી શાળાના યુનિફોર્મ બનાવ્યા

કચ્છી કળા અજરખ પ્રિન્ટે સાચવવાનો અનોખો રસ્તો... શાળાના યુનિફોર્મ પર અજરખ કળા દેખાઈ
 

કચ્છની અનોખી પહેલ, કચ્છી કલા અજરખથી શાળાના યુનિફોર્મ બનાવ્યા

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના ખત્રી કારીગરો આજે પણ પોતાની પરંપરાગત અજરખની પ્રિન્ટની કળાને જાળવી રાખી છે. ભૂકંપ બાદ અસ્તિત્વમાં આવેલ ભૂજના અજરખપુર ગામને પણ આ અજરખની પ્રિન્ટથી જ ઓળખાણ મળી છે. જેથી આ ગામના લોકોએ ખાસ નિર્ણય કર્યો છે. હવે આ ગામના વિદ્યાર્થીઓના યુનિફોર્મ પર પણ અજરખની કળા જોવા મળશે. દેશમાં પહેલીવાર કોઈ યુનિફોર્મ પર આર્ટ જોવા મળે તેવો આ નિર્ણય છે. 

fallbacks

અજરખપુર ગામ એટલે કે જે કચ્છી પ્રિન્ટ અજરખ સાથે જોડાયેલુ ગામ. આ અજરખ પ્રિન્ટના જ્યાં ખત્રી કારીગરો વસે છે તે ગામ. ભૂકંપ બાદ અજરખપુર ગામનું અસ્તિત્વ ઉજાગર થયું, જ્યારે ગામ વસ્યું ત્યારે વડીલોએ વિચાર્યું હતું કે, કચ્છી અજરખ થકી ખત્રીઓને નામના મળી તો ગામનું નામ પણ અજરખપુર રાખીએ. પરંપરાગત અને યુવા કારીગરોએ અજરખની ખ્યાત દેશવિદેશમાં ફેલાવી. આ કલાની અલગ અલગ થીમ તૈયાર કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ એવોર્ડ મેળવ્યા. જેથી ગામને નામના તો અપાવી, સાથે સાથે વિશ્વ પ્રવાસન ક્ષેત્રે અજરખપુર ભુજ તાલુકાનું એક ધમધમતું ગામ બન્યું. ગામ પણ અજરખ પ્રિન્ટના લીધે જ ઓળખાય છે તો શાળાના યુનિફોર્મ પણ અજરખનું તૈયાર કરવા માટે વિચાર આવ્યો. 

આ પણ વાંચો : ગુજરાતના 11 જિલ્લામાં પહોંચ્યો ખતરનાર વાયરસ, સૌરાષ્ટ્ર-કચ્છમાં 144 પશુ ટપોટપ મર્યાં 

લોકડાઉન દરમ્યાન શાળાના યુનિફોર્મ અંગે અજરખપુર પ્રાથમિક શાળાના વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ ખત્રી નાશિરભાઇને વિચાર આવ્યો કે, શાળાના વિદ્યાર્થીઓ માટે આપણે એવા યુનિફોર્મ પસંદ કરીએ કે જેમાં અજરખ ડિઝાઇનની પરંપરાગત છબી હોય અને ગામ પણ અજરખ પ્રિન્ટના લીધે જ ઓળખાય છે. તો નાસિરભાઇએ આ વાત શાળાના આચાર્ય આશિષ દામાણી, એસએમસીના અધ્યક્ષ જુનૈદ ખત્રી, શિક્ષણ સમિતિના સભ્ય દાઉદ ખત્રી અને ગામના વાલીઓ, અગ્રણીની એક બેઠક બોલાવીને કરી હતી. જેમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે, આ કલાને હવે શાળાના યુનિફોર્મ પર લઈ આવવી. 

fallbacks

ત્યારે બધાને પરવડે તેવી રીતે નક્કી કરેલ કાપડ પર અજરખની ડિઝાઇનવાળું કાપડ જથ્થામાં લાવવામાં આવ્યું. વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ યુનિફોર્મના કાપડની ખરીદી કરી દરેક વાલીઓને વેકેશન દરમિયાન સીવડાવી લેવાયા હતા. 

આ પણ વાંચો : રંકમાંથી રાજા બનવુ હોય તો આજે શનિવારે કરો આ કામ

ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23થી જ શાળાના ધો. 1થી 8ના 163 વિદ્યાર્થીઓને અજરખથી બનાવેલ સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પણ આ યુનિફોર્મ પહેરવું ખૂબ ગમી રહ્યું છે અને આ કાપડ કે પ્રિન્ટથી કોઈ પણ જાતનું ચામડીને નુકસાન નથી થઈ રહ્યું. સાથે સાથે વિદ્યાર્થીઓ જ્યાં જ્યાં શાળાનું પ્રતિનિધિત્વ કરવા જાય છે ત્યાં તેમના યુનિફોર્મના કારણે શાળા તેમજ અજરખપુર ગામ બંનેની ઓળખ પણ છતી થાય છે. જે શાળા અને વિદ્યાર્થીઓ માટે એક ગૌરવની વાત છે.

આ વિશે અજરખપુર પ્રાથમિક શાળાના આચાર્ય આશિષ દામાણીએ જણાવ્યુ કે, આ યુનિફોર્મ પહેરીને બાળકો હવે ગામના નામનું ગૌરવભેર નામ લેશે. વિદ્યાર્થીઓ માં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More