Kheda: ખેડા જિલ્લાના નડિયાદમાં ત્રણ વ્યક્તિઓના હત્યાકાંડમાં સનસની ખુલાસો થયો છે. હત્યારા શિક્ષકે પોતાના આત્મહત્યા માટે એમેઝોન પ્લેટફોર્મ પરથી સોડિયમ નાઇટ્રાઇટ મંગાવ્યું હતું. જેના અખતરા રૂપે જીરા સોડાની બોટલમાં ભેળવી પાડોશી મૃતક મૂકબધિરને ટાર્ગેટ કરાયા હોવાનો ખુલાસો થયો છે. મૂકબધિરે જાતે અને અન્ય બે મિત્રો સાથે આ જીરા સોડા સેર કરી હતી.
હત્યાકાંડ પરથી પડદો ઉચક્યો
28 દિવસ પહેલા નડિયાદમાં જીરા સોડા પીધા બાદ ત્રણ વ્યક્તિઓની તબીયત લથડી હતી અને ત્રણેયના ગણતરીના સમયમાં જ મોત નિપજ્યા હતા. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે જે તે સમયે અપમૃત્યુ અને એ બાદ ગત 27મી ફેબ્રુઆરીના રોજ હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ફરિયાદના ગણતરીના દિવસોમાં જ પોલીસે આ હત્યાકાંડ પરથી પડદો ઉચક્યો છે અને સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો છે.
પાડોશી મૃતક મૂકબધિરને બનાવ્યો ટાર્ગેટ
જેમાં મરણજનાર મૂકબધિર કનુભાઈ ચૌહાણના પાડોશી સરકારી શિક્ષક હરિકિશન મકવાણા દ્વારા આ સમગ્ર કાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી સરકારી શિક્ષકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારા શિક્ષકે પોતાના આત્મહત્યા માટે એમેઝોન પ્લેટફોર્મ પરથી સોડિયમ નાઇટ્રાઇટ મંગાવ્યું હોવાનુ અને જેના અખતરા રૂપે જીરા સોડાની બોટલમાં ભેળવી પાડોશી મૃતક મૂકબધિરને ટાર્ગેટ કર્યો હતો.
જો કે, આ મૂકબધિર કનુભાઈ આ બોટલ તેમના અન્ય બે મિત્રો સાથે સેર કરતા આ ત્રણેયના મોત નિપજ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
નડિયાદ શહેરમાં ગત 9 ફેબ્રુઆરીની મોડી સાંજે જવાહરનગર રેલવે ફાટક પાસે ત્રણ વ્યક્તિઓએ જીરા સોડા પીધા બાદ તબિયત લથડી હતી. યોગેશ ગંગારામ કુશવાહ, કનુભાઈ ધનાભાઇ ચૌહાણ અને રવિન્દ્રભાઈ જીણાભાઈ રાઠોડની તબિયત લથડી હતી. બાદમાં આ ત્રણેય વ્યક્તિઓના ગણતરીના સમયમાં મૃત્યુ નિપજ્યાં હતા.
ટપોટપ ત્રણ વ્યક્તિઓના મોત બાદ લઠ્ઠાકાંડની શક્યતા તેજ બની હતી. કારણ કે મૃતકોના પરિવારજનોએ ખુદ મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ત્રણેય વ્યક્તિઓ દારૂની ટેવ ધરાવે છે. બીજી તરફ પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી હતી.
મૃતકોના બ્લડ સેમ્પલ FSLમાં મોકલાયા
સૌપ્રથમ આ ત્રણેય મૃતકોના પીએમ કરવામાં આવ્યા હતા. તેમજ મૃતકોના બ્લડ સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં આ બ્લડ સેમ્પલમાં મિથાઈલ આલ્કોહોલની હાજરી બિલકુલ જણાઈ આવી નહોતી. આથી પોલીસ લઠ્ઠાકાંડની વાતને નકારી હતી. બીજી બાજુ પીએમ રિપોર્ટમાં પણ પ્રોબેબલ કોઝ ઓફ ડેથ એટલે કે 'કાર્ડિયા રેસ્પીરેટરી એરે' હોવાનું જણાઈ આવ્યું હતું.
પોલીસે મોતનું ચોક્કસ કારણ મેળવવા મૃતકોના વિસેરા રિપોર્ટ તૈયાર કરી FSLમાં મોકલી આપ્યો હતો. જેમાં જે જીરા સોડા પીધી હતી તે બોટલ ઉપરાંત સીલ બંધ કંપનીની અન્ય બોટલો અને મરણ જનાર વ્યક્તિઓના તે સમયે પહેરેલા કપડા તેમજ ઉલટીના નમૂના ભેગા કરી તપાસ અર્થે મોકલી આપ્યા હતા. આ ઉપરાંત મૃતકોને જીરાસોડા પીતા સમય નજરે જોનાર શાક્ષિઓના નિવેદનો લીધા હતા.
જીરા સોડા પીધા બાદ મોત થયા હોવાનો થયો ખુલાસો
જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ-અલગ ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં બનાવ સ્થળની જગ્યાએ આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી સાચી હકીકત મેળવવા પોલીસે પ્રયાસ હાથ ધર્યો હતો. આ દરમિયાન 25 ફેબ્રુઆરીના રોજ FSL દ્વારા રિપોર્ટ વિસેરા પોલીસને આપવામાં આવ્યો હતો. જેમાં આ મરણ જનાર ત્રણેય વ્યક્તિઓના વિસેરામાં તેમજ જીરા સોડા પીધેલ હતી.
તે ખાલી બોટલમાં તેમજ બનાવ વાળી જગ્યાએથી લીધેલ ઉલ્ટીવાળા કોટન ગેજમાંથી તથા મરણ જનારના કબજે લીધેલ કપડા વિગેરે મુદ્દામાલના નમુનામાં સોડીયમ આયન નામના ધન મુલક અને નાઇટ્રાઇટ આયન નામના ઋણ મુલની હાજરી મળી આવી હતી. આથી પોલીસે 27 ફેબ્રુઆરીના રોજ અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે પ્રબળ શંકા દર્શાવી હતી કે, મરણ જનાર ત્રણેય વ્યક્તિઓ પૈકી કોઈ એક વ્યક્તિએ અથવા ત્રણેય મરણ જનાર વ્યક્તિઓ સિવાય અન્ય કોઇ ઇસમે મરણ જનાર ત્રણેય વ્યક્તિઓને આ ઝેરી દ્રવ્ય પિવડાવ્યુ હોવાની શક્યતા અને અખતરા રૂપ કારણના કારણે ટાર્ગેટ કરીને પીવડાવ્યું હોવાનો અંદાજ હતો. કારણ કે કનુભાઈ ધનાભાઇ ચૌહાણ પોતે મૂકબધિર હતા. આથી એક્સપરીમેન્ટ માટે આમ કર્યું હોવાનું અંદાજ હતો.
તપાસ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ
આથી આ દિશામાં તપાસ શરુ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં ઘટનાના 28 દિવસ બાદ આ હત્યા કાંડના બનાવનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ બનાવમાં મૃતક મૂકબધિર કનુભાઈ ચૌહાણના પાડોશી શિક્ષક હરિકિશન મકવાણાની ઉલટ તપાસ હાથ ધરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો અને પોતે મૂકબધિર કનુભાઈ ચૌહાણને અખતરા રૂપ જીરા સોડાની બોટલમાં ભેળવી આ પદાર્થ આપ્યો હોવાની કબૂલાત કરી છે.
પોલીસની પુછપરછમાં હરિકિશનભાઈ સતત તણાવમાં હોય અને અગાઉ થયેલા કોર્ટ કેસની મુદતોને લીધે જીવનથી થાકી ગયેલા હોય પોતે આત્મહત્યા કરવાના આશયથી માત્ર અખતરા રૂપે એટલે કે, કેવુ રિએક્શન આવે છે તે જાણવા મૂકબધિર કનુભાઈ ચૌહાણને ટાર્ગેટ કર્યા હતા.
હત્યારો તણાવમાં હોવાથી આત્મહત્યાનો વિચારતો હતો
ખેડા જિલ્લા પોલીસવડા રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, હત્યારા આરોપી હરિકિશન મકવાણા છેલ્લા 20 વર્ષથી શિક્ષકની નોકરી કરે છે. થોડા વર્ષો અગાઉ જ તેઓની બદલી ખેડા જિલ્લામાં થયેલી હતી અને હાલ સણાલી પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. પત્ની પણ નોકરી કરે છે. હરિકિશન વિરુદ્ધમાં અગાઉ પાટણમાં કોઈ ગુનો દાખલ થયેલો હતો. આ ગુનો હાલ કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી હરિકિશન પોતે સતત તણાવમાં રહેતા હતા અને આત્મહત્યાના વિચારો આવતા હતા.
તેમજ આત્મહત્યા બાદ વિમા કંપનીના નિયમ મુજબ નાણાં મળે નહીં. જેથી પરિવાર આર્થિક સંકડામણ આવે તે વિચારીને હરિકિશને ગત 21 જાન્યુઆરી 2025ના રોજ ઓનલાઇન એમેઝોન પ્લેટફોર્મ પરથી આ સોડિયમ નાઇટ્રાઇટ 500 ગ્રામ મંગાવ્યું હતું. જો કે, જેની જાણ આ હરિકિશનના પત્નીને થતા તેમણે આમ ન કરવા પોતાના પતિને સમજાવ્યું હતું અને આ પદાર્થનો નિકાલ કરી દીધો હતો. જો કે, આ પહેલા છાની રીતે હરિકીશને સોડિયમ નાઇટ્રાઇટ પદાર્થ થોડો અલગ કાઢી દીધો હતો.
બાદમાં તે એવા કોઈ વ્યક્તિની તલાસમાં હતો કે, આ પદાર્થ કોઈ વસ્તુમાં પીવાથી કેવુ રિએક્શન થાય અને ખરેખર વ્યક્તિ મૃત્યુ પામે છે કે જીવે છે. આથી હરિકિશને પોતાના પડોશમાં રહેતા વ્યક્તિ કનુભાઈ ચૌહાણ કે જે વર્ષોથી મૂકબધિર છે. તેમના પર આ પદાર્થનો અખતરો કરવા ટાર્ગેટ કર્યો હતો અને 9 ફેબ્રુઆરીના રોજ સાંજે આ પદાર્થ હરિકિશને જીરા સોડામાં ભેળવી કનુભાઈને આપ્યો હતો. પરંતુ આ કનુભાઈએ પોતે પણ આ જીરા સોડા પીધી અને પોતાના અન્ય બે મિત્રો યોગેશ કુશવાહ અને રવિન્દ્રભાઈ રાઠોડ સાથે પણ સેર કરી હતી. આમ આ ઘટનામાં ત્રણ લોકોના જીવ ગયા છે.
સોડિયમ નાઈટ્રાઈટ અસર જાણવા કર્યો હતો અખતરો
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, આરોપી અગાઉ અમદાવાદના સરખેજમાં ભૂવા કાંડમાં સોડિયમ નાઈટ્રાઈટ અસરથી શું થાય છે તેની જાણકારી હતી. વધુમાં જે તે સમયે આ ઘટના બની ત્યારે આ શિક્ષક હરિકિશન મકવાણા ત્યાં હાજર હતો અને કનુભાઈને હોસ્પિટલમાં પણ લઈને દોડ્યો હતો. તે બાદ સતત તે જાણતો હતો કે, મૃતકના પીએમમાં શું આવી રહ્યું છે.
પીએમ રિપોર્ટમાં પણ પ્રોબેબલ કોઝ ઓફ ડેથ એટલે કે 'કાર્ડિયા રેસ્પીરેટરી એરે' હોવાનુ સામે આવ્યું હતું. પોલીસે આ ગુનામાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ તેમજ ઈ કોર્મસ પ્લેટફોર્મ પર જ્યાં આવા પદાર્થો મળે છે. જેના માધ્યમોથી આ સમગ્ર કેસને ઉકેલી દીધો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે