આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કનવેન્શન સેન્ટર ખાતે 900 બેડની ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને આજથી સારવાર આપવાનું શરુ કરવામાં આવ્યું છે. જેથી અસંખ્ય દર્દીઓમાં આશાની નવી કિરણ જાગી છે. પરંતુ અહીં ડાયરેક્ટ આવનારા અનેક દર્દીઓ નિરાશ થઈને પરત ફરી રહ્યાં છે. આ હોસ્પિટલમાં 108 ની કેન્દ્રીય કૃત વ્યવસ્થા અંતર્ગત રેફરલ દર્દીઓને જ એડમિટ એટલે કે સારવાર માટે દાખલ કરવામાં આવશે. ડાયરેક્ટ આવતા દર્દીઓને સારવાર નહિ મળે. ત્યારે આજે હોસ્પિટલ શરૂ થતાની સાથે જ GMDC 900 બેડની હોસ્પિટલ બહાર કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા. એક દર્દીની હાલત ગંભીર હોવા છતાં 108 એમ્બ્યુલન્સ વિના દાખલ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરાયો હતો.
વિરમગામના દર્દીને દરવાજે જ અટકાવાયા
આજે સવારથી જ ધન્વન્તરી હોસ્પિટલ બહાર લોકો ખાનગી એમ્બ્યુલન્સ લઈને દર્દી સાથે આવી રહ્યા છે, પરંતુ તેમને સારવાર નથી મળી રહી. વિરમગામથી પિતાને ખાનગી એમ્બ્યુલન્સમાં લઇ ધન્વન્તરી હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ તેમને દરવાજાની અંદર પ્રવેશ આપવા દેવામાં આવ્યો નહિ. તેમને જવાબ મળ્યો કે, 108 કે 104ના માધ્યમ થી આવશો તો જ પ્રવેશ આપવા દેવામાં આવશે. ખાનગી એમ્બ્યુલન્સમાં ઓક્સિજન પર પિતાને લઈ આવેલો પુત્ર આંખમાં આંસુ સાથે હાથ જોડી વિનંતી કરતા રહ્યા હતા કે, માત્ર સારવાર આપો અને તેનું કહેવું છે કે તેના પિતા 3 દિવસથી ઓક્સિજન પર છે. હવે તો માત્ર 30 મિનિટ ચાલે તેટલું ઓક્સિજન છે. અનેક હોસ્પિટલવાળા ના પાડી ચૂક્યા છે.
પુત્રએ ધમપછાડા કર્યાં છતાં હોસ્પિટલે દાખલ ન કર્યાં
પોતાના પિતાના જીવને બચાવવા માટે એક પુત્ર હોસ્પિટલના દરવાજા પર આજીજી કરતો રહ્યો હતો. પરંતુ ખાનગી વાહનમાં આવનારને પ્રવેશ નહિ અપાય તેવો જવાબ અપાયો હતો. કોરોના સંક્રમિત થયેલા પિતાનો જીવ જોખમમાં હોવાથી દાખલ કરવા પુત્રએ ધમપછાડા કર્યા હતા. છતાં ધન્વન્તરી હોસ્પિટલના સંચાલકો દ્વારા કોઈ માર્ગદર્શન આપવાની તસ્દી લેવાઈ ન હતી.
આ પણ વાંચો : રોજા રાખી 4 મહિનાની ગર્ભવતી નર્સ કરે છે દર્દીઓની સેવા, કહ્યું-આ જ મારી સાચી ઈબાદત
આમ હોસ્પિટલ શરૂ થયાના પહેલા જ દિવસે ગણતરીના કલાકોમાં સારવાર ન મળતા અનેક દર્દીઓના જીવ જઈ રહ્યાં છે. ખાનગી વાહન અને એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. તંત્ર અને સરકાર ગંભીર દર્દીઓ માટે કંઈક ફરીથી વ્યવસ્થા કરે તેવી સ્વજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે