ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં એક એવી ચોંકાવનારી ઘટના બની છે જે જાણીને તમારા રૂવાંડા ઉભા થઈ જશે. શહેરમાં એક પુત્રએ ડોક્ટર પિતાની કરપીણ હત્યા કરી છે. એટલું જ નહીં પિતાની હત્યા કરી પુત્ર થાઈલેન્ડ ફરવા માટે પહોંચી ગયો હતો. થાઈલેન્ડથી પરત આવ્યા બાદ પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત વિગત અનુસાર પિતાની હત્યા કરનાર આરોપીનું નામ વરૂણ ઉર્ફે રેની તિલવાણી છે. જેણે પોતાના પિતા ડો. નરેશ કુમાર તિલવાણીની ગળું કાપી હત્યા કરી હતી. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા વૈભવ ટાવરમાં 28 જૂને ડો. નરેશ કુમાર તિલવાણીનો મૃતદેહ મળી આવ્યો હતો. પિતાની હત્યા પુત્રએ કરી હોવાનું સામે આવ્યું હતું. આરોપી પુત્ર પહેલા અમદાવાદથી દિલ્હી ગયો અને ત્યાંથી થાઈલેન્ડ પહોંચ્યો હતો.
થાઈલેન્ડ પહોંચ્યા બાદ આરોપીને ચારેતરફ પોતાના પિતાનો ચહેરો જોવા મળી રહ્યો હતો. એટલે તે ત્રણ દિવસ બાદ અમદાવાદ પરત ફરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે 29 વર્ષીય હત્યારો પુત્ર છેલ્લા સાત વર્ષથી પરિવાર સાથે સંબંધ રાખતો નહોતો. વરૂણનો સ્વભાવ ગુસ્સાવાળો હોવાને કારણે તે રૂમમાં બંધ રહેતો હતો. પિતા નરેશ કુમાર એકનો એક દીકરો હોવાને કારણે તેની દરેક ઈચ્છા પૂરી કરતા હતા. દર મહિને પિતા વરૂણને 21 હજાર રૂપિયા ખર્ચ માટે આપતો હતો. આ સિવાય વરૂણ ઘરે જમવાની જગ્યાએ દરરોજ ઓનલાઈન ફૂડ મંગાવી જમતો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિરનો થશે જીર્ણોદ્ધાર, ભક્તો માટે અનેક સુવિધા ઉભી કરાશે
આરોપી સ્વભાવથી કંટાળીને માતા શીલાબેન અને બહેન રવિના ઘર છોડી બીજે ફ્લેટ રાખીને રહેવા જતા રહ્યા હતા. જ્યારે પુત્રના પ્રેમમાં પિતા તેની સાથે રહેતા હતા. પરંતુ પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા. જાણકારી અનુસાર 27 જૂને ડો. નરેશ દીકરા માટે જમવાનું લાવ્યા હતા, પરંતુ પુત્રએ મુખ્ય દરવાજો અંદરથી લોક કરી દીધો હતો. ડોરબેલ વગાડવા છતાં દરવાજો ન ખોલતા પિતાએ લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જેથી આરોપી વરૂણ ગુસ્સે થયો અને તેણે પિતાની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.
તબીબ પિતાએ એકના એક દીકરા વરુણને લાડથી ઉછેરીને તમામ ઈચ્છાઓ પૂરી કરી હતી. પરંતુ વરુણ હાઈપ્રોફાઈલ જીવન શૈલીના કારણે કામચોર બની ગયો હતો અને પિતાના પૈસાથી મજા કરતો હતો. એક પિતાને દીકરાને લાડકોડથી ઉછેરવાની સજા પિતાને મળી છે. હાલમાં સેટેલાઇટ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે