ગુજરાત : ફરી એકવાર ગુજરાત રાજ્યમાં એસટીના પૈડા થંભી ગયા છે. મધ્ય રાત્રિથી જ ગુજરાતભરના એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. રાત્રે 12 વાગ્યાને ટકોરે જ એસટીના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો પ્રારંભ થયો છે. માર્ગ પરીવહન નિગમના કર્મચારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાતા રાત્રે 12 વાગ્યાથી રાજ્યભરના મુસાફરો અટવાયા છે. એસટી નિગમના યુનિયને બુધવારે મધરાતથી માસ સીએલ ઉપર ઉતરી ગયા છે અને જેને કારણે ગુજરાતમાં એસટીના પૈડા થંભી ગયા છે. ગુજરાતભરના એસટીના 45 હજાર કર્મચારી હડતાળ પર ઉતરતા મધરાતે જ અનેક મુસાફરો અટવાયા છે. એસટીના પૈડા થંભી જતા વહેલી સવારે ઓફિસ જનારા કર્મચારીઓ તો બીજી તરફ શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ અટવાઈ પડ્યા હતા. વિલાયેલા મોઢે બસ સ્ટેશન પર અનેક મુસાફરો જોવા મળ્યા હતા.
ખાનગી વાહનચાલકોને ઘી-કેળા
અમદાવાદ ST નિગમની હડતાળની અસર રાજ્યભરમાં દેખાઈ રહી છે. અમદાવાદના ગીતામંદિર ડેપો ખાતે સેંકડો બસ પડેલી જોવા મળી રહી છે. જેને કારણે મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ST નિગમની હડતાળની રાજ્યવ્યાપી અસર પણ દેખાવા માંડી છે. એસટીની હડતાળને પગલે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબી મુસાફરી માટે આજે નીકળાનારા મુસાફરોનું પ્લાનિંગ ખોરવાઈ ગયું છે. તો બીજી તરફ, ખાનગી વાહન ચાલકોને ઘી-કેળાં થઈ ગયા છે. આવામાં તેઓ મુસાફરો પાસેથી કમરતોડ ભાવ વધારે તેવી પણ શક્યતા છે.
મહારાષ્ટ્રના મુસાફરો પણ અટવાયા
વલસાડમાં એસટી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળનો પ્રારંભ થયો. પણ આ હડતાળની અસર અન્ય રાજ્યોના મુસાફરોને પણ થઈ રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્રના મુસાફરોને. વલસાડ ખાતે મહારાષ્ટ્રના મુસાફરો અટવાયા છે. મહારાષ્ટ્ર રાજ્યની બસોને પણ વલસાડ એસટી કર્મચારીઓએ અટકાવી દીધી છે. વલસાડ એસટી વિભાગની 400 બસો દોડતી બંધ થઈ છે. વલસાડ એસટી વિભાગના ત્રણેય યુનિયનના 2300 કર્મચારીઓ હડતાળમાં જોડાયા.
કર્મચારીઓની માંગણી
એસટી નિગમના અન્ય એક કર્મચારીના જણાવ્યા પ્રમાણે 7માં પગાર પંચનો અમલ કરવો, ખોટા થયેલા કેસો પાછા ખેંચવા, એસટી કર્મચારીઓને વર્ગ ત્રણના ગણીને વર્ગ ચારનો પગાર આપવામાં આવે છે. આવા 9 જેટલા મુદ્દાઓના નિવારણ માટે આ માસ સીએલ આપવામાં આવી છે. ફિક્સ વેતન દૂર કરવુ, આશ્રિતોને નોકરી, બઢતી અને બદલીની નિતીમાં ફેરફાર કરવા જેવા વિવિધ પડતર મુદ્દે ગુજરાત એસટી નિગમના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે.
ગુજરાતમાં ક્યાં કેવી પરિસ્થિતિ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે