ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધરતીપુત્રોને પોતાની ખેતપેદાશના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્યના નાગરિક પુરવઠા નિગમને ટેકાના ભાવે ઘઉં અને તુવેરની ખેડૂતો પાસેથી ખરીદી કરવા પ્રેરિત કરેલું છે.
પ્રવર્તમાન કોરોના વાયરસની સંક્રમણ સ્થિતીમાં પણ ખેડૂતોને પોતાની ઉપજ વેચવામાં તકલીફ ન પડે એટલું જ નહિ, યોગ્ય ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં તા. ૧૬ માર્ચથી નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉંની ખરીદી રાજ્યભરના ર૧૯ ખરીદ કેન્દ્રો પરથી શરૂ કરવામાં આવી હતી. કોરોના વાયરસને પગલે જાહેર થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે તા.ર૩ માર્ચથી આ ખરીદી ખરીદ કેન્દ્રો બંધ થતાં બંધ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે ત્યારબાદ ફરીથી તા.૧ લી મે થી ટેકાના ભાવે ઘઉંની ખરીદીની પ્રક્રિયા શરૂ કરેલી છે જે આગામી તા.૩૦ જૂન સુધી ચાલશે. તદઅનુસાર, રાજ્યમાં નોંધાયેલા ઘઉં પકવતા ૪૭પ૦ર ખેડૂતો પૈકી તા.૧૭ જૂન-ર૦ર૦ બુધવાર સુધીમાં ૧૦ર૯૬ ધરતીપુત્રોએ રાજ્ય નાગરિક પુરવઠા નિગમને કુલ ૪ર,૪૭ર મે.ટન ઘઉંનું વેચાણ ટેકાના ભાવે કર્યુ છે. આ ઘઉંની કુલ કિંમત રૂ. ૮ર કરોડ જેટલી થવા જાય છે.
મુખ્યમંત્રીએ તુવેર પકવતા ધરતીપુત્રોના તુવેરની ખરીદી પણ ટેકાના ભાવે થાય અને તેમને પણ પૂરતા ભાવ મળી રહે તે માટે નાગરિક પુરવઠા નિગમ દ્વારા તા. ૧ જાન્યુઆરી-ર૦ર૦થી ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ કરાવી હતી.
આ ખરીદી પ્રક્રિયા પણ કોરોના વાયરસ સંક્રમણને કારણે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતીમાં તા.ર૩ માર્ચથી સ્થગિત કરાઇ હતી. નાગરિક પુરવઠા નિગમે ત્યાર બાદ આવા તુવેરની ખરીદીની પ્રક્રિયા તા.૧ લી મે થી પૂન: તા.ર૨મી મે સુધી શરૂ કરી હતી.
આ દરમ્યાન રાજ્યના ૧૦૩ ખરીદ કેન્દ્ર પર ૬પ૬૮ ખેડૂતોએ ૧૧પ૩૦ મે.ટન તુવેરનું વેચાણ કર્યુ છે અને તેની અંદાજિત કિમંત રૂ. ૬૭ કરોડ જેટલી થવા જાય છે. સમગ્ર રાજ્યમાં તુવેર ખરીદીના સમયગાળા દરમયાન કુલ નોંધાયેલા ખેડૂતોની સંખ્યા ૧૬૩૪પ છે.
રાજ્ય સરકારે આમ ઘઉંની ટેકાના ભાવે ખરીદી પેટે ૮ર કરોડ રૂપિયા અને તુવેરની ટેકાના ભાવે ખરીદીના ૬૭ કરોડ મળી કુલ ૧૪૯ કરોડ રૂપિયાનો આર્થિક આધાર ઘઉં અને તુવેર પકવતા ધરતીપુત્રોને આપ્યો છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે