ઝી ન્યૂઝ/રાજકોટ: રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા પ્રાથમિક શાળાઓનું શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે, ત્યારે હવે ફરી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવા માંગ ઉઠી છે. કોરોના સંક્રમણ વચ્ચે શાળા સંચાલક મંડળે માંગ કરી છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આશ્ચર્યજનક માંગ કરતા ખળભળાટ મચ્યો છે. ધોરણ 1થી 8નાં વર્ગ ફરી શરૂ કરાય તેવી માગ શિક્ષણ વિભાગને કરવામાં આવી છે. 1 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 9 અને 15 ફેબ્રુઆરીથી 1થી 5ના વર્ગો શરૂ કરવાની માગ કરવામાં આવી છે. સંચાલકો જણાવી રહ્યા છે કે માર્ચ મહિનામાં પરીક્ષાઓ આવી રહી છે. જેથી ફરી ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાની મંજૂરી આપો. પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને શાળા સંચાલક મંડળે પત્ર લખ્યો છે.
રાજકોટ સહીત રાજ્યભરમાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના કેસ જેટ ગતિએ આગળ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા ફી ઉઘરાણીના ઓરતા અધૂરા રહી ગયા હોય તેમ વેક્સિન વિહોણા ધો.1 થી 9 ના બાળકોનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવા માગ કરી નાખી છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા 15 થી 18 વર્ષના તરુણોને કોરોના વિરોધી રસી આપવાની કામગીરી ચાલી રહી છે. જેમા મોટાભાગની શાળાઓમાં પાત્રતા ધરાવતા છાત્રોનું 94% જેવું રસીકરણ થઈ ગયું છે. ત્યારે વિદ્યાર્થીઓ ઉપર ગંભીર ખતરો ટળ્યો છે.
વિશ્વ બેંકના એકેડેમિક ડિરેક્ટરે પણ સૂચન કર્યું હતું કે શાળાઓ હવે ઓફ લાઈન હોવી જોઈએ. વધુમાં તેને જણાવ્યું હતું કે, વધારે કેસ જે રાજયમાં હતા તે મહારાષ્ટ્ર સરકાર પણ જાન્યુઆરી 24 થી શાળાઓ શરૂ કરે છે તો ગુજરાત જેવા રાજયમાં જયાં કોઇ ગંભીર પરિસ્થિતિ નથી. ત્યાં શાળાઓ શરૂ કરવી જોઇએ. આ અંગે અમે શિક્ષણમંત્રીને પણ દરેક શાળાઓને કોવિડ ગાઇડ લાઇનની તમામ તકેદારી સાથે ફરી ધોરણ 1 થી 9 નું પ્રત્યક્ષ શિક્ષણ તા. 1 ફેબ્રુઆરીથી શરૂ કરવાની મંજુરી આપે તે માટે પત્ર દ્વારા અપીલ કરવામાં આવનાર છે.
કોરોના કાળમાં શાળા સંચાલકોએ ફી વધારાની કરી માંગ કરી છે. FRC સમક્ષ શાળા સંચાલકોએ ફી વધારવાની માંગ કરી હતી. જેમાંથી FRC કમિટી સમક્ષ સૌરાષ્ટ્રના 10 જિલ્લાની 1000 થી વધારે શાળાએ ફી વધારાના માંગ કરાઈ છે. ફી નિર્ધારણ કમિટીએ 5 થી 10 ટકાનો વધારો મંજૂર કર્યો હોવાનું સામે આવ્યું છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, સ્કૂલો બંધ છે પરંતુ ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ હોવાથી શિક્ષકોને પગાર ચુકવવામાં આવે છે. મોંઘવારી પ્રમાણે શિક્ષકોના પગારમાં પણ વધારો કરવો પડે છે. જોકે હવે શિક્ષકો પણ કંટાળી ગયા હોવાથી નોકરીઓ બદલાવી રહ્યા છે. જેથી 5 થી 10 ટકા ફી વધારો કરવા દેવામાં આવે તેવી માંગ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે