રાજકોટઃ ચાલુ બસમાં વિદ્યાર્થી વચ્ચે થતી મસ્તી અને ઝઘડો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયો રાજકોટનો છે. સ્કૂલ બસમાં લગાવેલા સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે જેમાં ચાલુ સ્કૂલ બસમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને લાત મારે છે જેથી તે વિદ્યાર્થી દરવાજામાંથી બહાર પડી જાય છે. પહેલી જ સીટ પાસે આ બન્ને વિદ્યાર્થીઓ ઉભા છે ત્યારે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને પાછળથી લાત મારે છે અને વિદ્યાર્થી બસના દરવાજામાંથી બહાર ફેંકાય જાય છે. બસનો દરવાજો ખુલ્લો હોવાથી આ વિદ્યાર્થી બહાર ફેંકાઈ જાય છે. જો કે તેમ છતાં ઘણીવાર સુધી બસ ચાલતી રહે છે. બાદમાં જાણ થતા ડ્રાઈવર બસને ઉભી રાખે છે.
આ વીડિયો રાજકોટની દિલ્હી પબ્લિક સ્કૂલની બસનો છે. સ્કૂલ સંચાલકોએ કબૂલ્યું છે કે આ વીડિયો તેમની સ્કૂલ બસનો છે અને દોઢ-બે મહિના પહેલા આ ઘટના બની હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયો ઘણો ખતરનાક છે. પહેલી નજરે જોનારના શ્વાસ પણ અધ્ધર થઈ શકે છે. ત્યારે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. ચાલુ બસે સ્કૂલ બસનો દરવાજો જ ખુલ્લો હતો તે મોટી બેદરકારી ગણી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે