તેજશ મોદી/સુરત: શહેરના ઉધના સિટી ઇન્ડસ્ટ્રી એસ્ટેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પગલે આસપાસના વિસ્તારમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આ સમયે પાસે આવેલા એક લુમ્સના ખાતામાં ફસાયેલા છ થી સાત લોકોને સ્થાનિક લોકો અને ફાયરકર્મીઓએ બચાવી લીધા હતાં. ઘટના અંગે ફાયર વિભાગ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઉધના સિટી ઈન્ડસ્ટ્રી એસ્ટેટમાં મહાનગરપાલિકા દ્વાર ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, જેસીબી મશીન દ્વારા કરવામાં આવેલા ખોદકામ દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ પડ્યું હતું.
ભંગાણ પડતાની અચાનક આગ ફાટી નીકળી હતી. ગેસના કારણે આગના ગોટેગોટા હવામાં ફેલાયા હતા. જ્યાં આગ લાગી હતી, ત્યાં નજીકમાં વીજળી સપ્લાયની ડીપી હતી, જેમાં પણ આગ લાગી ગઈ હતી. આગ નજીકમાં જ આવેલા કપડાના કારખાનામાં પણ ફેલાય હતી, તે સમયે કારખાનામાં હાજર પાંચ થી છ મહિલાઓ અને અન્ય બે લોકો ફસાયા હતાં.
આગ લાગવાની ઘટાનાથી આસપાસમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. ફાયર વિભાગે સતત બેથી અઢી કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે