તેજશ મોદી/સુરત :પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જોકે સરકાર ભાવ વધારા સામે રાહતો પણ આપી રહી છે, ત્યારે પેટ્રોલ -ડીઝલ વાહનો ભવિષ્યમાં આર્થિક બજેટ બગાડે નહીં તેને પગલે હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા લાગ્યા છે, દેશમાં આને લઈને કોઈ પોલિસી તો બની નથી, પરંતુ સુરત મનપાએ આ દિશામાં જરૂરથી શરૂઆત કરી છે, જેનો ફાયદો પણ મળી રહ્યો છે. દેશભરની સ્માર્ટ સિટીમાં અગ્રેસર રહેનાર સુરત હવે ઈ-વ્હીકલ ખરીદવામાં પણ આગળ છે. એટલુ જ નહિ, પણ રાજ્યમાં ઈ-વ્હીકલ પર સરકારી સબસિડીનો સૌથી વધુ લાભ પણ સુરતીઓએ લીધો છે.
એક આંકડા મુજબ, જુલાઇ 2021થી અત્યાર સુધી 10 માસમાં 5732 ઈ-વ્હીકલ માલિકોને સબસિડીના 12 કરોડ 65 લાખ રૂપિયા એકાઉન્ટમાં મળી ચૂક્યા છે. રાજ્યની વિવિધ RTO અને ARTOમાં રજીસ્ટર્ડ ઈ-વ્હીકલનો હિસાબ માંડીયે તો અત્યાર સુધીમાં સૌથી વધુ ઈ-વ્હીકલ સુરત RTOમાં રજીસ્ટર્ડ થયાં છે. 1 જુલાઈ 2021થી 31 માર્ચ 2022 સુધીમાં સુરત RTOમાં 6226 ઈ-વ્હીકલ રજિસ્ટર્ડ થયા છે. જે અમદાવાદમાં રજીસ્ટર્ડ થયેલા 4623 ઈ-વ્હીકલના આંકડા કરતા પણ વધુ છે.
કેટેગરી પ્રમાણે સુરતમાં રજીસ્ટર થયેલા ઈ-વ્હીકલ
વર્ષ 2018માં સુરતમાં માંડ 3 ઈ-વ્હીકલ રજીસ્ટર્ડ હતા સરકારી પોલિસીના પગલે લોકોમાં ઈ-વ્હીકલ ખરીદવા જાગૃતિ દેખાઇ રહી છે. હાલ શહેરમાં 30 થી વધુ ડીલરો ઈ-વ્હીકલ વેચી રહ્યા છે. આ અંગે મનપાના ઇલેક્ટ્રિક અને મશીનરી વિભાગના એડિશનલ સીટી એન્જીનીયર એચ કે ખતવાનીએ જણાવ્યું હતું કે, મનપાએ ઇ-વાહનોની પોલિસી અમલમાં મૂકી છે, જેમાં પ્રથમ વર્ષમાં 100 ટકા, બીજા વર્ષે 75 ટકા અને ત્રીજા વર્ષમાં 50 ટકા તેમજ ચોથા વર્ષે પોલિસીની અંતિમ તારીખ સુધી રોડ ટેક્સ માફી આપવાનું નક્કી કરાયું છે. લોકો સરળતાથી વાહન ચાર્જ કરી શકે તે માટે 500 જેટલા ચાજિંગ સ્ટેશન બનાબવાનું પણ આયોજન કરાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે