ચેતન પટેલ, સુરતઃ સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા એક ફરિયાદી દ્વારા અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા અને જીતુ કાછડીયા દ્વારા તેમની પાસેથી રૂપિયા દસ લાખની લાંચ માંગવામાં આવી છે જે અંગે ફરિયાદીએ એસીબીને ઓડિયો પણ આપવામાં આવ્યો હતો. ઓડિયોને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ રિપોર્ટમાં ઓડિયો બંને કોર્પોરેટરનો હોવાનું સામે આવતા એસીબી દ્વારા બંને કોર્પોરેટર વિરુદ્ધ લાંચ-રુસવતનો ગુનો નોંધવામાં આવ્યો હતો જે પ્રકરણમાં એસીબી દ્વારા વિપુલ સુહાંગીયાની ધરપકડ કરવામાં આવી હતી.
પરંતુ જીતુ કાછડીયા ભાગવામાં સફળ થયો હતો હવે આ સમગ્ર લાંચ પ્રકરણમાં એક નવો વળાંક આવ્યો છે આ કોર્પોરેટર ની સાથે હવે લાંચિયા સ્થાનિક ઝોનના અધિકારીઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે ફરિયાદી દ્વારા વધુ એક ઓડિયો એસીબી ને આપવામાં આવ્યો છે જેમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરાછા ઝોન એ ના આસિસ્ટન્ટ કમિશનર ડી યુ રાણે અને કાર્ય પાલક ઇજનેર કે.એલ.વસાવા પણ આ લાંચ કાંડમાં સામેલ હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો. બને અધિકારીઓ દ્વારા ફરિયાદીને વરાછા એ ઝોનની કાર્યપાલક ઇજનેરની ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો.
જ્યાં કોર્પોરેટર જીતુ કાછડીયા સાથે તેમની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું શરૂઆતના સમયે તમામ લોકોના મોબાઈલ પટાવાળાને આપી દેવામાં આવ્યા હતા અને બંધ બારણે એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફરિયાદીને કોર્પોરેટર સાથે સમાધાન કરી લઈ તેને લાંચ ની રકમ આપવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ ફરિયાદી દ્વારા આ સમગ્ર વાતચીતનો ઓડિયો રેકોર્ડિંગ કરી દેવામાં આવ્યો હતો અને આ ઓડિયો એસીબીને સુપરત કરવામાં આવ્યો છે. હાલ તો એસીબી દ્વારા આ ઓડિયો ને એફએસએલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે હવે એસીબી એફએસએલના રિપોર્ટની રાહ જોઈ રહી છે.
જો આ ઓડિયોમાં બંને અધિકારીઓના વોઇસ મેચ થશે તો એસીબી દ્વારા તાત્કાલિક ધોરણે બંને અધિકારીઓ વિરોધ લાંચ નો ફરિયાદ નોંધવામાં આવશે અને તેમની પણ ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ લાંચ પ્રકરણમાં ક્યાંકને ક્યાંક અધિકારીઓને પણ મલાઈ મળવાની હતી જેને કારણે તેઓ સમાધાન માં વચ્ચે પડ્યા હતા. એસીબી દ્વારા વિપુલ સુહાગીયા ને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં વિપુલ સુહાંગીયાના ઘરેથી રૂપિયા 38 લાખના સોનાના દાગીના પણ મળી આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે