ચેતન પટેલ/સુરત :સુરતના ક્લાસિસમાં બેસી B.com ની ઓનલાઇન પરીક્ષામાં મોટી ચોરી પકડાઈ છે. એકસાથે ચોરી કરતાં 25 વિદ્યાર્થીઓ પકડાયા છે. જોકે, ચોંકાવનારી વાત તો એ છે કે, સંચાલકો ખુદ જ વિદ્યાર્થીઓને પેપર લખાવતા હતા. આ ઘટના સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બની છે. VNSGU ના કંટ્રોલ રૂમમાંથી સરખું બેકગ્રાઉન્ડ દેખાતાં ચોરી પકડાઈ હતી. 1 મહિના પહેલાં પકડાયેલા કેસમાં ફેક્ટ કમિટીએ ચોરી સાબિત કરી વિદ્યાર્થીઓને 0 માર્ક આપ્યા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં ખાનગી ટ્યૂશનના પ્રોફેસરો વિદ્યાર્થીઓને જવાબ લખાવતા પકડાયા છે. વરાછા વિસ્તારમાં રોબર્ટ ક્લાસીસ આવ્યા છે. જ્યાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીબીકોમ એક્સટર્નલના 25 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. જોકે, યુનિવર્સિટીના કન્ટ્રોલ રૂમમાં બેસેલા અધિકારીઓને ઓનલાઈન ક્લાસમાં કંઈક અજુગતુ થતુ હોવાની શંકા પેદા થઈ હતી. જેથી તેમણે તપાસ હાથ ધરી હતી. જેમાં ક્લાસના પ્રોફેસરો જ વિદ્યાર્થીોને પેપરમાંના જવાબો લખાવતા હોવાનું સામે આવ્યુ હતું.
આ પણ વાંચો : દિવાળી પહેલા નકલી ઘીની રેલમછેલ, રાજકોટમાંથી પકડાયો 27 લાખનો નકલી ઘીનો જથ્થો
સમગ્ર ભાંડો ફૂટતા યુનિવર્સિટીએ આકરા પગલા લીધા હતા. કુલ 25 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા હતા. સમગ્ર મામલે ઓનલાઈન હિયરિંગ કરાયુ હતું. જેમાં વિદ્યાર્થીઓએ કહ્યુ હતું કે, તેમના ઘરમાં નેટનો પ્રોબલ્મ હોવાથી તેઓએ ટ્યુશનમાં જઈને પરીક્ષા આપી હતી. તમામ વિદ્યાર્થીઓને ઝીરો માર્કસ આપ્યા હતા. તો સાથે જ તેમને 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીએ રેકોર્ડમાં તપાસ્યું કે, પ્રોફેસરો વિદ્યાર્થીઓને જવાબ લખાવતા હોય તેવો ઓડિયો પણ સંભળાયો હતો. સાથે જ વિદ્યાર્થીઓએ ગુગલ મીટમાં પોતાના લોગ ઈનથી નહિ, પરંતુ રોબર્ટ ક્લાસીસના આઈડીથી જોઈન કર્યુ હતુ. જેથી યુનિવર્સિટીએ તમામના આઈપી એડ્રેસ ચેક કર્યા હતા. આખરે ટ્યુશન ક્લાસ સંચાલકનો ભાંડો ફૂટ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે