ચેતન પટેલ/સુરત :સુરત હવે ક્રાઈમ કેપિટલની હરોળમાં ધકેલાઈ રહ્યું છે. સુરતમાં ડ્રગ્સનું દૂષણ જે રીતે ઘૂસ્યુ છે, તે જોતા સુરત જલ્દી જ મેક્સિકો જેવુ ટાઈટલ મેળવી લેશે એની નવાઈ નહિ. સુરતન પોલીસના ‘Say no to drugs in surat city’ અભિયાન અંતર્ગત પાંડેસરા પોલીસે ગાંજો અને ડ્રગ્સ પીવા માટે વપરાતી સ્ટીકનો મોટો જથ્થો કબજે કર્યો છે. સાથે જ 2 આરોપીઓની ધરપકડ કરી છે.
સુરત શહેરમાં જે રીતે નશીલા ડ્રગ્સના કેસો વધી રહ્યા છે ત્યાર બાદ સુરત પોલીસ દ્વારા say no to drugs on surat city અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જે અભિયાન અંતર્ગત પાંડેસરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે બે શખ્સો પાંડેસરા આશાપુરી સોસાયટી પાસે આવેલ પાનના ગલ્લા નજીક ગાંજો અને ડ્રગ્સ પીવાની સ્ટીક વેચી રહ્યાં છે. આ બાતમીના આધારે પાંડેસરા પોલીસે લલ્લન યાદવ અને ગોવર્ધન નાયક નામના શખ્સની અટકાયત કરી હતી. જેમની પાસેથી પોલીસે ગાંજો અને ડ્રગ્સનું સેવન કરવાની સ્ટીકના 60 નંગ બોક્સ કબજે કરાયા છે.
હાલ આ આરોપી ડ્રગ્સની સ્ટીક ક્યાંથી લાવ્યા હતા અને રોજેરોજ આ સ્ટીકનો વપરાશ કોણ કરે છે તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. બંને આરોપીઓને કોર્ટ માં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે તેવુ એસીપી આર.એલ માવાણીએ જણાવ્યું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, બંને શખ્સો પાસેથી નશામાં ઉપયોગમાં લેવાતા ગોગો, કોબ્રા અને રોલર બીયર પેપર જપ્ત કરાયા છે. આરોપીઓએ આ માલ પંજાબના લુધિયાણાથી મંગાવ્યો હતો, જેને સુરતમાં વેચવાનો હતો. કોઈને શંકા ન જાય તે માટે ગોગો પેપર્સ, કોબ્રા પેપર્સ અને રોલર બીયર પેપર્સમાં સ્ટીક બનાવી તેમાં ગાંજો નાંખી નશાખોરો સિગારેટની જેમ નશો કરતા હતા. નશાખોરો એક કોબ્રા અને ગોગો પેપર્સના 20 રૂપિયા અને એક રોલર બિયરના 10 રૂપિયામાં વેચાણ કરતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે