ચેતન પટેલ/સુરત :સમગ્ર દેશ સહિત દુનિયામાં જાણીતું સુરતનું કાપડ હવે ડિફેન્સમાં પણ જોવા મળશે. ચીનની અવળચંડાઈ બાદ ભારત દેશ આત્મનિર્ભર બની રહ્યો છે. ડિફેન્સના જવાનોને વધુ મજબૂત બનાવવા માટે હવે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પેરાશૂટ અને જવાનોના બેગ બનાવવાની ખાસ ફેબ્રિક ઉત્પાદન કરવા માટે તત્પર બન્યું છે. હાલ જ આ ખાસ ફેબ્રિકને કેન્દ્રીય લેબ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. હાલ આ પ્લાન્ટ અંકલેશ્વર અને સુરતમાં નાના પાયે સ્થાપવામાં આવ્યો છે. કુલ ઉત્પાદન થતા સાડા ચાર કરોડ મીટરમાંથી બે ટકા કાપડની ડિફેન્સમાં માંગ વધી છે.
સુરતે પૂરુ કર્યુ પીએમ મોદીનું સપનુ
સમગ્ર વિશ્વમાં કાપડ નગરી તરીકે ઓળખાતું સુરત શહેર નવી ઊંચાઈ સર કરી રહ્યું છે. ટેક્સટાઇલ નગરી હવે ડિફેન્સ સેક્ટર તરફ આગળ વધી રહ્યું છે. અત્યારસુધી ડિફેન્સના જવાનો માટે બેગ અને પેરશૂટનું કાપડ વિદેશની કંપની બનાવતી હતી. અગાઉ આ કાપડ ચીનથી આયાત કરવામાં આવતું હતું. જોકે જે રીતે ભારત ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ ઉભો થતા આ કાપડની આયાત કરવાનું બંધ કર્યું હતું. બાદમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર બનાવવાનું સપનું સુરતે પૂરું કર્યું છે.
સુરતનો ડંકો વિશ્વમાં વાગશે
દેશના જવાનો માટે બેગ અને પેરાશુટનું કાપડ બનાવવાની શરૂઆત સુરતથી થઈ રહી છે. વિશ્વભરમાં રક્ષા ક્ષેત્રે વપરાતા કાપડનો ઈમ્પોર્ટ 40 ટકા ચીન કરતું હોય છે. હાલ ચીનમાં વસ્તુઓ મોંઘી થઈ છે. સાથે જ ચીનના પ્રોડક્ટથી યુરોપીય દેશો, જાપાન, કોરિયા અને અમેરિકા ચાઈનાની વસ્તુઓ મોટાભાગે વાપરવાનું ટાળી રહ્યા છે. સસ્તુ અને મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી તૈયાર કાપડ આવનાર વર્ષોમા વિદેશોમાં પણ ડંકો વગાડશે.
અત્યાર સુધી ડિફેન્સ સેક્ટરમાં નાયલોન પોલિસ્ટ ફેબ્રિક ઈમ્પોર્ટ કરવામાં આવતુ હતું. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટના કારણે આ ફેબ્રિકના સેમ્પલ લેવામાં આવ્યા અને તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. ટેસ્ટિંગમાં આ કાપડ પાસ પણ થયું છે.
આ કાપડની ખાસિયત એ છે કે....
આ અંગે ફિયાસ્વી ઓલ ઇન્ડિયાના ચેરમેન ભરત ગાંધીએ ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું કે, રક્ષા ક્ષેત્રમા વપરાતા કાપડ કેન્દ્રના લેબમા પાસ થવું ખૂબ જ જરૂરી હતુ. હાલમા સુરતના રો મટીરીયલ્સની ગુણવત્તા પણ સ્ટાન્ડર્ડના નજીક આવી રહ્યુ છે. આ માટે હવે સુરતમા કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન મશીનો પણ મંગાવવામા આવ્યા છે. આવનારા મહિનામાં રીપેર લુમ્સ, વોટર જેટ લુમ્સ આવનાર દિવસોમાં ઈમ્પોર્ટ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે