Indian Product: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફની લડાઈ શાંત થવાનું નામ નથી લેતી. આ ટેરિફ વોરના પગલે ગ્લોબલ ઈકોનોમી, દુનિયાભરના શેર બજાર, સોનાના ભાવ અને અનેક દેશોની અર્થવ્યવસ્થા પર અસર જોવા મળી રહી છે. જો કે આ ટેરિફ વોર ભારતીય ઉત્પાદનો માટે એક અવસર પણ બની શકે તેમ છે, ટેરિફ વોરના પગલે ભારતીય ઉત્પાદનોની ડિમાન્ડ વધી શકે છે.
ગુજરાતના વાપીના કારોબારીઓએ શુક્રવારે કહ્યું કે ટેરિફ વોરથી ભારતીય ઉદ્યોગોને ફાયદો થશે અને દેશના ઉત્પાદનોની માંગ સમગ્ર દુનિયામાં વધશે. વાપીના વેપારીઓએ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના કારણે સમગ્ર દુનિયાના ઉદ્યોગોમાં હલચલ મચી ગઈ છે. ભારત ઉપર પણ 26 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે. પરંતુ પીએમ મોદીની નીતિઓના કારણે ભારત પર ખાસ અસર થશે નહીં, કારણ કે ટ્રમ્પે દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારત પર ઓછો ટેરિફ લગાવ્યો છે.
તેનાથી વાપી અને આસપાસના ઉદ્યોગોને પરોક્ષ લાભ મળી રહ્યો છે. આ કારણે નવા બજાર ખુલી શકે છે અને ચીન તથા બીજા દેશોની સરખામણીમાં ભારતને તેનો ફાયદો થઈ શકે છે. વાપી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં નાના મોટા છ હજારથી વધુ ઉદ્યોગો કાર્યરત છે. જેમાં ખાસ કરીને ટેક્સટાઈલ, કેમિકલ, પિગમેન્ટ, ફાર્મા વગેરે સામેલ છે. આ ઉદ્યોગો દેશ વિદેશમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરે છે અને કાચો માલ આયાત પણ કરે છે.
તેમણે કહ્યું કે અન્ય એશિયન દેશો પર વધુ ટેરિફ લગાવવાના કારણે અમેરિકાનું બજાર હવે ભારત તરફ ડાયવર્ટ થઈ શકે છે. જેના કારણે આવનારા સમયને લઈને ઉદ્યોગો આશાવાદી બન્યા છે. વાપીના એક અન્ય વેપારીએ કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ યુદ્ધના કારણે વાપીના ઉદ્યોગોમાં નિકાસ અંગે મંદી જોવા મળી રહી હતી.
પરંતુ હવે ટેરિફ યુદ્ધના કારણે યુરોપીયન દેશોથી અચાનક સકારાત્મક ઈન્ક્વાયરી આવી રહી છે. દુનિયાભરના દેશો અને ઉદ્યોગો પર ટ્ર્મ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફની વ્યાપક અસર જોવા મળી રહી છે પરંતુ મોદી સરકારની મેક ઈન ઈન્ડિયા જેવી નીતિઓના કારણએ અન્ય દેશોની સરખામણીમાં તેનો પ્રભાવ ઓછો હશે. હવે સમગ્ર દુનિયાની નજર ભારત પર છે અને આવનારા સમયમાં ટેરિફ યુદ્ધથી ઘરેલુ ઈન્ડસ્ટ્રીને ફાયદો થશે અને મંદી સામે ઝઝૂમી રહેલા વાપીના ઉદ્યોગોને નવો બૂસ્ટ મળશે.
એક અન્ય વેપારીએ કહ્યું કે વાપી અને આસપાસના વિસ્તારોના કેમિકલ, ફાર્મા, સ્પેશિયલ કેમિકલ અને ડાઈકેમ ઈન્ડસ્ટ્રીઝને તેનો મોટો લાભ થશે. ચીન, તાઈવાન, બાંગ્લાદેશ જેવા ભારતના પ્રતિસ્પર્ધી દેશો પર ટ્રમ્પે ભારત કરતા વધુ ટેરિફ લગાવ્યો છે. જેનાથી આ દેશો પર વ્યાપક અસર પડી છે. ભારત પર ટેરિફ ઓછો હોવાના કારણે તે દેશોના બજારો હવે ભારત તરફ વધી શકે છે જેનાથી વાપીના ઉદ્યોગોને આવનારા સમયમાં વધુ તકો મળી શકે છે.
(અહેવાલ- IANS)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે