નવી દિલ્હીઃ અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા ભારતમાં તેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવાની યોજના સાથે આગળ વધી રહી છે. કંપનીના અધિકારીઓ એપ્રિલમાં ભારતની મુલાકાત લેશે, જ્યાં તેઓ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અને અન્ય મુખ્ય મંત્રાલયોના અધિકારીઓ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં ટેસ્લાની રોકાણ યોજનાઓ, સંભવિત ફેક્ટરી સ્થાનો અને ભારતમાં ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદન સંબંધિત સરકારી નીતિઓ પર ચર્ચા કરવામાં આવશે.
ભારતમાં ટેસ્લાનું રોકાણ
સૂત્રો અનુસાર ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 3થી 5 અબજ ડોલરનું રોકાણ કરી શકે છે. આ પગલું ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી નવી નીતિથી પ્રેરિત હોઈ શકે છે, જે સ્થાનિક ઉત્પાદન માટે પ્રતિબદ્ધ કંપનીઓને આયાત જકાતમાં છૂટ આપે છે.
નવી EV નીતિ
ભારત સરકારની નવી નીતિ અનુસાર, જો કોઈ કંપની ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપે છે અને ઓછામાં ઓછા $500 મિલિયનનું રોકાણ કરે છે, તો તેને દર વર્ષે 15%ની ઓછી ડ્યુટી પર 8,000 ઇલેક્ટ્રિક વાહનોની આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, કંપનીઓએ સુનિશ્ચિત કરવું પડશે કે ઓછામાં ઓછું 50% રોકાણ ત્રણ વર્ષમાં કરવામાં આવે અને આગામી પાંચ વર્ષમાં ઉત્પાદન શરૂ થાય.
આ પણ વાંચોઃ EPFOના કરોડો સભ્યો માટે ખુશીના સમાચાર, થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર
આ શહેરોમાં ખુલી શકે છે ફેક્ટરી
ટેસ્લાએ ભારતમાં પોતાની ફેક્ટરી માટે સંભવિત સ્થળ શોધવાનું શરૂ કરી દીધું છે. સૂત્રો પ્રમાણે મહારાષ્ટ્ર અને ગુજરાત ટેસ્લા માટે મુખ્ય વિકલ્પ બની શકે છે.
મહારાષ્ટ્રઃ પુણેના ચાકન ઔદ્યોગિક ક્ષેત્ર અને છત્રપતિ સંભાજી નગર (ઔરંગાબાદ) ટેસ્લા માટે પસંદગીના સ્થળ હોઈ શકે છે. આ ક્ષેત્ર પહેલાથી ઘણા વૈશ્વિક કાર નિર્માતાઓનું ઘર છે.
ગુજરાતઃ ગુજરાત રાજ્ય પહેલાથી ઓટોમોબાઈલ અને બેટરી નિર્માતાઓ પાસેથી મોટા રોકાણને આકર્ષિત કર્યું છે, જેનાથી ગુજરાત ટેસ્લા માટે એક મજબૂત દાવેદાર બની ગયું છે.
ટેસ્લાની ભારતમાં ફેક્ટરી સ્થાપિત કરવાની યોજનાથી તે સ્પષ્ટ થાય છે કે કંપની ભારતના વધતા ઈવી બજારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા તરફ અગ્રેસર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે