ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં આરોગ્યની સુવિધા સારી મળતી હોવાના દાવા થાય છે. આ દાવા સાચા પણ અડધા સાચા છે કારણ કે આરોગ્યની સુવિધા અમદાવાદ જેવા મોટા મહાનગરોમાં જ સારી મળે છે. બાકી નાના જિલ્લા મથકોમાં તો રોજ હાડમારીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. આદિવાસીઓની જ્યાં વધુ વસતી છે તેવા છોટાઉદેપુરમાં સરકારી હોસ્પિટલ તો છે પરંતુ ડૉક્ટર નથી. ડૉક્ટર વગરની આ હોસ્પિટલ શોભાનો ગાંઠિયો બની ગઈ છે.
છોટાઉદેપુરમાં આદિવાસી વિસ્તારમાં બનેલી હોસ્પિટલ માત્ર એક સારી બિલ્ડીંગ પુરતી જ સિમિત છે કારણ કે અહીં એકથી એક ચડિયાતા સાધનો છે પરંતુ તેને ચલાવનારું કોઈ નથી. દર્દીઓ તો અનેક આવે છે પરંતુ તેમની સારવાર કરનારા ડૉક્ટર નથી અને તેના જ કારણે અનેક દર્દીઓ મોતને ભેટે છે. આદિવાસીઓને આરોગ્યની સારી સુવિધા મળી રહે તેવા હેતુથી સરકારે બિલ્ડીંગ તો બનાવી આપ્યું છે. પરંતુ ડૉક્ટરની જગ્યાઓ ભરવામાં આવી નથી. સારવાર માટે દર્દીઓને 100 કિલોમીટર દૂર વડોદરા લાંબા થવું પડે છે. ઘણીવાર રસ્તા જ દર્દીઓ મોતને ભેટે છે.
કઈ-કઈ જગ્યાઓ ખાલી?
છોટાઉદેપુરની આ સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં થોડા સમય પહેલા જ 20 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું. 200 બેડનું નવું બિલ્ડીંગ તૈયાર થયું. પરંતુ સિવિલમાં RMO, જનરલ સર્જન, આંખના સર્જન, બાળકોના ડોક્ટર, ગાયનેકોલોજીસ્ટની 6 જગ્યાઓ ખાલી છે. એટલું જ નહીં હાડકાના સર્જન, નાક કાન ગળાના સર્જન, માનસિક રોગોના તબીબ, રેડિયોલોજિસ્ટની તો જગ્યા મંજૂર જ નથી. નર્સિંગ સ્ટાફમાં પણ હેડ નર્સની ૩ જગ્યા ખાલી છે. હોસ્પિટલમાં અનેક આધુનિક સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. વેન્ટિલેટર, સોનોગ્રાફી મશીન, એક્સ-રે મશીન, ઓક્સિજન મશીન જેવા કીમતી સાધનો ધૂળ ખાતા જોવા મળ્યા.
હોસ્પિટલમાં દર્દીઓને પડી રહેલી હાલાકી અને ડૉક્ટર વગર પડતી તકલીફ મામલે અમે હોસ્પિટલના સુપ્રિટેન્ડેટનો સંપર્ક કર્યો હતો. તો તેમણે ઉડાવ જવાબ આપ્યા હતા. મુખ્યમંત્રી થોડા સમય પહેલા જ છોટાઉદેપુરની મુલાકાતે આવ્યા હતા. તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. છોટાઉદેપુરની આ હોસ્પિટલની પણ તેઓ મુલાકાત લેવાના હતા. પરંતુ વરસાદને કારણે તેમની વિઝીટ કેન્સલ કરાઈ હતી. હવે જોવાનું રહેશે સરકાર ક્યારે આ હોસ્પિટલમાં ડૉક્ટરની નિમણૂક કરે છે અને ખૂટતી તમામ સુવિધા પુરી પાડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે