બ્રિજેશ દોશી/અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી ને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયુ છે. સમગ્ર મામલો એકતરફ કાયદાકીય લડતમાં છે તો બીજી તરફ બંને પક્ષોએ ઉમેદવારોને લઈને તૈયારીઓ શરૂ કરી છે. ભાજપ તરફથી એક સ્થાનિક અને એક રાષ્ટ્રીય ચહેરાને ઉતારવા તૈયારી કરી છે તો કોંગ્રેસ પણ 2 સ્થાનિક ચહેરાઓને ઉતારશે.
રાજ્યસભાની ચૂંટણી ને લઈને પ્રદેશ ભાજપે કેન્દ્રીય નેતૃત્વ પર જવાબદારી ઢોળી છે એટલે કેન્દ્રીય નેતાઓ આ મામલે નિર્ણય લેશે. આજે પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરીને રાજ્યસભા અંગે ચર્ચા કરી. સુત્રોનું માનીએ તો ભાજપના 2 ઉમેદવારોમાં એક સ્થાનિક હશે તો એક રાષ્ટ્રીય નેતા હશે.
ભાજપના રાષ્ટ્રીય ચહેરામાં વિદેશમંત્રી ડો.એસ જયશંકરનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું છે. જો કે ભાજપ છેલ્લી ઘડીએ સરપ્રાઈઝ આપવા માટે જાણીતું છે. એટલે સ્થાનિક ચહેરમાં કોઈ નવો જ ચહેરો ઉતારી શકે છે. ભાજપ આદિવાસી કે ઓબીસી ચહેરાને રાજ્યસભામાં મોકલી શકે છે. ગુજરાતમાંથી 2 પાટીદાર નેતાઓને કેન્દ્રીય મંત્રી બનાવ્યા બાદ હવે ઓબીસી કે આદિવાસી ચહેરાને રાજ્યસભામાં મોકલાય તેવી શકયતા છે.
બોટાદ: નગીના મસ્જિદ પાસે 1 મહિલા સહિત 3 પર જીવલેણ હુમલો, બેના મોત
તો બીજી તરફ કોંગ્રેસે સોમવારે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. જેમાં રાજ્યસભાની રણનીતિ ને લઈને ચર્ચા થશે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર સુનવણી મંગળવારે હાથ ધરાશે. જેને લઈને કોંગ્રેસે અગમચેતી રાખીને 2 સ્થાનિક ચહેરાને ઉતારવાની વિચારણા હાથ ધરી છે. કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવા છતાં 2 ઉમેદવારો ઉતારશે અને ચૂંટણી લડશે.
જુઓ LIVE TV
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહમદ પટેલ પોતાના કેસ સંદર્ભે ગુજરાતમાં હોવાથી આ મામલે કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ પરામર્શ કરીને પ્રદેશ કોંગ્રેસે તૈયારીઓ આરંભી છે. હાર નિશ્ચિત હોવા છતાં કોંગ્રેસે ઉમેદવારો ઉતારશે કારણ કે, જો સુપ્રીમ કોર્ટનો કોઈ વચગાળાનો નિર્ણય કોંગ્રેસની તરફેણમાં આવે તો ઊંઘતા ન ઝડપાય તે માટે આ તૈયારી કરી છે. હાલ તો બંને પક્ષો પોતાની રણનીતિ તૈયાર કરીને ચાલી રહ્યા છે. ભાજપનું માનવું છે કે, તેમની જીત નિશ્ચિત છે ત્યારે કોંગ્રેસ છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છે ત્યારે મંગળવારે સુપ્રીમના ચુકાદા બાદ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે