જયંતિ સોલંકી/વડોદરા :સરકારી નોકરીની ઘેલછા બધાને હોય છે. પરંતુ આજની જનરેશનને મહેનત કર્યા વગર રૂપિયા નાંખીને નોકરી જોઈએ છે. આવામાં જો તમે જોયાવિચાર્યા વગર સરકારી નોકરીની લાલચમાં રૂપિયા નાંખો છો તો ચેતી જજો. તમે તમારા નાણાં ન ગુમાવો તે માટે ચેતી જજો. કારણકે વડોદરામાં નોકરી અપાવવાના બહાને 63 થી વધારે લોકો છેતરાઈ ચૂક્યા છે.
વડોદરા શહેરમાં ONGC માં નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા ખંખેરતી ટોળકી ઝડપાઇ છે. શહેરમાં ગોત્રીની મહિલાને ONGC માં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી અપાવવાનું કહી રૂપિયા તેની પાસેથી ૨,૬૮,૫૦૦ રૂપિયા ખંખેરી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેને લઇ વડોદરા ઝોન-2 LCB એ ટોળકીના ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યા છે.
ઝોન-2 ના ડીસીપી અભય સોનીએ જણાવ્યુ કે, છેતરપિંડીની અનેક ઘટનાઓ વડોદરામાં વધી રહી હતી. અમે તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, વડોદરાના 63 થી વધારે લોકો પોતાના 84 લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા હતા. ટોળકીએ કુલ 85 લાખનું કૌભાંડ આચર્યું હતું. જોકે નોકરી વાંછુક સાથે ઠગાઈનો આંક કરોડોમાં પહોંચે તેવી શક્યતાઓ લાગી રહી છે. આરોપી વિજય ઠાકોરને વડોદરા ના પોલો ગ્રાઉન્ડ નજીક થી ઝડપી પાડ્યા બાદ ટોળકીનો પર્દાફાશ થયો હતો.
નોકરી મેળવવા માટે નાગરિકો અનેક રીતે મહેનત કરતા હોય છે, પરંતુ નાણાં આપવાથી નોકરી મળી જશે આવું વિચારનાર લોકોએ ખાસ ચેતી જવું પડશે. કારણકે જે રીતે લોકો છેતરાઈ રહ્યા છે ત્યારે સરકારી નોકરીની નાણાં ચૂકવવાથી મળી જશે તેવી ઘેલછા છોડી મહેનત કરવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે