નવસારી :કુદરતે માનવીને ઘણુ આપ્યુ છે, બસ એની મહત્વતા માનવી સમજે તો બહોળો ઉપયોગ કરી શકે છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં થતા વાંસ 100 ટકા ઓક્સિજન આપે છે. પ્રદુષિત વાતાવરણમાં 100 ટકા ઓક્સિજન આપતો વાંસ, ખેતી અને વ્યવસાયિક રીતે પણ ઘણો ઉપયોગી છે. આજે વિશ્વ વાંસ દિવસ છે અને નવસારી કૃષિ યુનિવર્સિટીની વનિય કોલેજના વાંસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે વાંસમાંથી વસ્તુઓ બનાવવાની તાલીમ શિબિર સાથે જ તેના પ્રદર્શન તથા વેચાણનું આયોજન કરાયું છે.
4 થી 5 ઇંચની ગોળાઈમાં થતા વાંસ 20 થી 25 ફૂટ ઊંચા થાય છે અને ઉપર જતા પાતળા થતા હોવાથી એને ઘાસની એક પ્રજાતિ પણ માનવમાં આવે છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત વનિય કોલેજ દ્વારા વાંસના મહત્વને શીખવવા માટે અલાયદો વિભાગ બનાવવામાં આવ્યો છે. જ્યાં ભારતભરમાં થતા વાંસ ઉપર સંશોધન કરવા સાથે જ વાંસમાંથી મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવવાનું શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને વાંસની તાલીમ મળી રહે એવા પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં વિશ્વ વાંસ દિવસને ધ્યાનમાં રાખીને વાંસ વિભાગ દ્વારા અઠવાડિયાની તાલીમ શિબિર યોજવામાં આવી હતી. શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓ સાથે NGO ના કાર્યકર્તાઓને, વાંસદા અને ડાંગના કારીગરોને બોલાવાયા હતા. જેઓએ ન માત્ર ફર્નિચર તેમજ સુશોભનની વસ્તુઓ તથા ઇનોવેટિવ આઇડિયા આપ્યું, પરંતું વાંસમાં બીજું શું નવું કરી શકાય એની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓએ વાંસની ખેતી સાથે જ અનેકવિધ વસ્તુઓ બનાવી વ્યાપારિક ધોરણે ઉપયોગ કરી સારી આવક મેળવી શકાય એના વિશેની વિસ્તૃત માહિતી પણ મેળવી હતી.
આ પણ વાંચો : ટ્રાન્સજેન્ડર પતિના કિસ્સામાં વડોદરા પોલીસ પણ ગોથે ચડી, વિરાજને પુરુષ ગણવો કે સ્ત્રી
વનિય કોલેજના પ્રોફેસર ડો.જયેશ પાઠકે જણાવે છે કે, વનિય કોલેજના વાંસ વિભાગ દ્વારા વાંસને લાંબા સમય સુધી ટકાવી રાખવાની પદ્ધતિ વિકસાવી છે. જેમાં હોટ વોટર ટ્રીટમેન્ટ આપ્યા બાદ કેમિકલયુક્ત ઠંડા પાણીની ટ્રિટમેન્ટ આપવામાં આવે છે. જેના થકી વાંસમાં ફૂગ નથી લાગતી અને પાવડર પણ નથી થતો. જેને કારણે થોડા વર્ષો અગાઉ જ શરૂ કરવામાં આવેલા વિભાગને આજે ખાસ્સી નામના મળી છે અને વાંસના ફર્નિચર તેમજ અન્ય સુશોભિત વસ્તુઓની ડિમાન્ડ પણ વધી છે. ગત વર્ષે વાંસ વિભાગ દ્વારા 25 લાખ રૂપિયાની આવક ઉભી કરી હતી. જ્યારે આ વર્ષે વિભાગ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો વિચાર કરી વાંસની રીયુઝેબલ સ્ટ્રો (ભૂંગળી) બનાવી છે. પ્લાસ્ટિક સ્ટ્રોની સરખામણીમાં આ વાંસની સ્ટ્રો મજબૂત હોવા સાથે એને ધોઈને ફરી ઉપયોગ કરી શકાય છે, જે સ્ટ્રોના વ્યાપારીકરણ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ સ્ટ્રોને આજે લોન્ચ કરવામાં આવ્યુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે