હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગરના કલોલમાં પંચવટી વિસ્તારમાં બ્લાસ્ટથી મકાન ધરાશાયી થતા 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. કલોલ ગાર્ડન સિટી બંગ્લોઝમાં બ્લાસ્ટ થતા 2 મકાન ધરાશાઈ થયા છે. જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 2 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. સ્થાનિક ધારાસભ્યએ ONGCની પાઈપલાઈનના લીધે બ્લાસ્ટ થયાની આશંકા વ્યક્ત કરી છે. આ વિસ્તારમાં વારંવાર ગેસ લીકેજ થવાની ફરિયાદ ઉઠતી રહે છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના મકાનોના કાચ તૂટ્યા હતા. એટલું જ નહીં પણ આસપાસ રહેલા વાહનોનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. વારંવાર ગેસ લીકેજની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બંને મકાનમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તે હજી સુધી જાણી શકાયુ નથી. પરંતુ ઓએનજીસીની પાઈપલાઈનને કારણે બ્લાસ્ટ થયો હોવાની શક્યતા છે. કારણે કે, કલોલમાં ઠેકઠેકાણે ઓએનજીસીની પાઈપલાઈન આવેલી છે. જેથી અવારનવાર અહીં ઓએનજીસીની પાઈપલાઈન ફાટતી હોય છે, ભડકા થતા હોય છે, આગ લાગતી હોય છે. ત્યારે આ બ્લાસ્ટમાં પણ ઓએનજીસીની પાઈપલાઈન કારણભૂત હોવાની શક્યતા છે. કલોલ ગાર્ડન સિટી બંગ્લોઝમાં આ બ્લાસ્ટ થયો હતો. જેમાં બે મકાન ધરાશાયી થયા હતા. ધડાકાનો અવાજ થતા જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા. દૂર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાતા વહેલી સવારે સૂઈ રહેલા લોકો ધડીક તો હેબતાઈ ગયા હતા.
આ બ્લાસ્ટમાં મકાનમાં રહેતા 2 વ્યક્તિઓ દટાયા હતા. જેમાંથી એક વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, હજુ 1 વ્યક્તિની શોધખોળ ચાલુ છે. બ્લાસ્ટથી આસપાસના મકાનોના કાચ તૂટ્યા હતા. તો સાથે જ મકાન ધરાશાયી થયા બાદ આગ લાગ્યાની ઘટના પણ બની હતી. આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
આ ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું કે, અવારનવાર અહીં ઓએનજીસીની પાઈપલાઈન ફાટતી હોય છે. ઓએનજીસીની લાઈન જ્યાંથી જતી હોય છે તેમાં બિલ્ડર દ્વારા મકાનો બાંધીને રહેણાંક વિસ્તાર ઉભો કરવામાં આવે છે. આવા અનેક ફ્લેટ ઓએનજીસીના પાઈપલાઈન પર ઉભા કરાયા છે. વારંવાર કલોલમાં આ પ્રકારની ઘટના બનતી રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે