આણંદ: ‘માસી, તમારું બી.પી. હાઇ છે. નિમક અને ચરબીવાળો ખોરાક ઓછો લેતા જાઓ, સવાર-સાંજ ચાલવાનું રાખો અને નિયમિત રીતે આ દવા લેજો હોં…’ ઉપલેટા તાલુકાના કોલકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાની સાથે આવા મીઠા શબ્દોથી ભરપૂર હૂંફ પણ મળે છે! અને આ સાથે જ તેમનું અડધું દર્દ તો આરોગ્ય કેન્દ્નના તબીબ ડૉ. ગીતાબેનનો હસમુખો ચહેરો જોઈને અને તેમના આવા પ્રેમાળ શબ્દો થકી જ જતું રહે છે.
કોલકી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આસપાસનાં નાગવદર, મેખાટીંબી, મોજીરા, સેવંત્રા, જામટીંબી, કલારીયા, કેરાળા, નવાપરા સહિતનાં 15 ગામના દર્દીઓ નિદાન અને સારવાર માટે આવે છે. નજીકના ભીમોરા આરોગ્ય કેન્દ્રની જવાબદારી સંભાળતા ડૉ. ગીતાબેનને કોલકીની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આ વધારાની જવાબદારીને કોઈ પણ જાતના ભારણ વિના સ્વીકારીને હસતાં મોંઢે દર્દીઓની સારવાર કરતાં ગીતાબેન કહે છે કે, ‘માતા-પિતના આશિર્વાદ થકી દર્દીઓની સેવા કરવા માટે જ ડૉક્ટર બની છું, તો પછી અત્યારે પીછેહઠ કેમની કરું?’
પોલીસનો માનવીય ચહેરો: શ્રમજીવી ગર્ભવતી મહિલાની સગી જનેતાની જેમ કરી સંભાળ
લોકડાઉન પૂર્વે વાહન સ્લીપ થઈ જતાં ગીતાબેનને જમણા ખભે ફ્રેક્ચર થયું હતું. આમ છતાં, ફ્રેક્ચર સાથે તેઓ સમયસર પોતાની ફરજ પર પહોંચી જાય છે. સામાન્ય દિવસોમાં રોજના 70 જેટલા દર્દીઓ સવારે આઠ વાગ્યાથી આરોગ્ય કેન્દ્ર પર આવવાના શરૂ થઈ જતાં હોય છે. ખાસ કરીને સગર્ભા બહેનો, બ્લડપ્રેશર અને ડાયાબિટીઝ ધરાવતા મોટી ઉંમરના દર્દીઓ અને સામાન્ય તાવ, ખાંસી, શરદી તેમજ એનિમિયા સહિતના દર્દીઓ આવે છે.
સૌને ટોકન આપી વારાફરતી દરેકની આત્મીયતાથી તપાસ કરી સૌને યોગ્ય સારવાર અને નિદાન કરતા ડૉ. ગીતાબેન કહે છે કે, ‘આસપાસ મોટા ભાગે ખેત આધારિત વ્યવસાય કે ખેત મજૂરી કરતાં લોકો રહે છે. એટલે સ્વાભાવિક તેમની સ્થિતિ નબળી હોવાની. તેવામાં આજે જ્યારે કોરોના જેવી મહામારીએ સમગ્ર વિશ્વને ભરડો લીધો હોય, ત્યારે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જ તેમના માટે એક આશાનું કિરણ હોય છે.’
અમદાવાદમાં લોકડાઉનમાં છુટછાટ: બહાર જતા પહેલા આ જરૂર વાંચો નહી તો પસ્તાશો
કર્મની સાર્થકતાનો સિદ્ધાંત સમજાવતાં ડૉ. ગીતાબેન કહે છે કે, ‘આજે જો આવા કપરા સમયમાં મારી તાલીમ લોકોની સેવામાં ઉપયોગી ન બને તો શા કામની? આથી જ ફ્રેક્ચર બાદ આરામ કરવાની સલાહ છતાં મેં આરોગ્ય કેન્દ્રમાં લોકોની તબીબી સારવાર કરવાનું યોગ્ય માન્યું. આખરે તો મારા કર્મ (આરોગ્ય સેવા) પ્રત્યેની નિષ્ઠામાં જ જીવનની સાર્થકતા છે.’
ઉલ્લેખનીય છે કે, મેડિકલ ઑફિસર ડૉ. હેપી પટેલના માર્ગદર્શન હેઠળ આયુષ ડૉ. ગીતાબેન સોલંકી, ફાર્માસીસ્ટ મહેન્દ્રભાઇ, લેબ. ટેકનિશિયન ધર્મિષ્ઠાબેન, સ્ટાફ નર્સ મનીષાબેન ડાભી, ધવલભાઇ પારઘી, મેડિકલ સુપરવાઇઝર મહેશભાઈ તથા જયુભા વાળા સહિતનો કર્મનિષ્ઠ સ્ટાફ સતત હાજર રહી કોરોના સંક્રમણના કપરા સમયે પણ દર્દીઓની સારવાર માટે ખડેપગે રહે છે.
દર માસે નિયમિત સારાવર માટે આવતા બ્લડપ્રેશરના દર્દી સુધાબેન આરદેસણા સંતોષની લાગણી વ્યક્ત કરતાં જણાવે છે કે, ‘આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારી નિષ્ઠાપૂર્વક ફરજ પર અચૂક હાજર રહી આત્મીયતા સાથે તમામ દર્દીઓને સેવા કરી રહ્યા છે. ખાસ કરીને, અમારા જેવા છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આવા કોરોના સંક્રમણના કપરા સમયે પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે એ અમારા માટે ગર્વ અને રાહતની બાબત છે.’
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે