Home> Gujarat
Advertisement
Prev
Next

માત્ર 8 દિવસની બાળકીનો 2.50 લાખમાં કરાયો સોદો, આરોપી દિલ્હીથી લાવી રહ્યા હતા વડોદરા

વડોદરા પોલીસના ડીસીપી ઝોન 2 અભય સોનીને બાતમી મળી કે દિલ્હીથી દુરંતો એકસપ્રેસ ટ્રેનમાં એક મહિલા અને તેનો ભત્રીજો 8 દિવસની બાળકીને વેચવા વડોદરા આવી રહ્યા છે

માત્ર 8 દિવસની બાળકીનો 2.50 લાખમાં કરાયો સોદો, આરોપી દિલ્હીથી લાવી રહ્યા હતા વડોદરા

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા સહિત દેશભરમાં બાળકોના તસ્કરીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે વડોદરા પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કેવી રીતે માત્ર 8 દિવસની બાળકીને આરોપીઓ દિલ્હીથી વડોદરા વેચવા આવ્યા હતા.

fallbacks

વડોદરા પોલીસના ડીસીપી ઝોન 2 અભય સોનીને બાતમી મળી કે દિલ્હીથી દુરંતો એકસપ્રેસ ટ્રેનમાં એક મહિલા અને તેનો ભત્રીજો 8 દિવસની બાળકીને વેચવા વડોદરા આવી રહ્યા છે. જેના આધારે LCB ઝોન 1 ની ટીમ સાથે રાવપુરા પોલીસની સી ટીમ અને ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098 ના સ્ટાફે પ્લેટફોર્મ નંબર 1 પર વોચ ગોઠવી. દિલ્હીથી વડોદરા દુરંતો એકસપ્રેસ ટ્રેન પહોંચતા જ તેમાંથી મહિલા અને તેનો ભત્રીજો બાળકીને લઈ ઉતર્યા. જ્યાં વડોદરાના સલાટવાડામાં રહેતું દંપતી બાળકીને ખરીદવા માટે આવ્યું હતું. પોલીસે તમામ લોકોને કોર્ડન કરી ઝડપી લીધા.

દિલ્હીથી બાળકીને વડોદરા વેચવા આવનાર મહિલા અને યુવકની પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં બંનેએ સમગ્ર હકીકત વર્ણવી. આરોપી મહિલા પુજા હરીશંકર અને દીપકકુમારે કહ્યું કે દિલ્હીની પ્રિયંકા અને તેની માતાએ બાળકીનો વડોદરાના દંપતી સોમા વેરા અને સૌરભ વેરા સાથે 2.50 લાખમાં સોદો કર્યો હતો. જેમાંથી બાળકી ખરીદનાર દંપતીએ આરોપીઓને 1.80 લાખ રૂપિયા પણ આપી દીધા હતા જે પોલીસે રીકવર કર્યા.

મહત્વની વાત છે કે આંતરરાજ્ય બાળ તસ્કરી કૌભાંડના તાર દિલ્હી સુધી જોડાયેલા છે. જેથી પોલીસની તપાસ હવે દિલ્હી સુધી લંબાઈ છે. બાળકીનો જન્મ પંજાબના ફિરોઝપુરમાં થયો છે, બાળકીનું નામ સિમરન રાની છે, તેના પિતા મિથુન સિંઘ છે. ત્યારે પોલીસે તેના માતા પિતાનો પણ સંપર્ક સાધ્યો છે. હાલમાં પોલીસે દિલ્હીથી બાળકી વેચવા આવેલા પુજા હરીશંકર અને તેના ભત્રીજા દીપકકુમારની ધરપકડ કરી છે, જ્યારે બાળકી ખરીદવા આવેલ દંપતી સોમા વેરા અને સૌરભ વેરાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

8 દિવસની માસૂમને દિલ્હીથી વડોદરા વેચવા લાવેલી આરોપી પૂજા પોલીસ સ્ટેશનમાં મગરના આંસુ સારી રહી છે. સાથે જ પોતે નિર્દોષ હોવાની વાત કરી રહી છે. આ ઉપરાંત પોતાની ભૂલ થઈ ગઈ તેવી વાત પણ કરે છે. વડોદરાના દંપતીએ બાળકીની ન્યુ બેબી એડોપશન વેબસાઈટ પર જઈ ઓનલાઇન ખરીદી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે બાળક એડોપશન માટે ભારત સરકારની CARA (કારા) એજન્સી જ સત્તાવાર છે, અન્ય કોઈપણ એજન્સી પાસેથી બાળકોની ખરીદી કરવા ગેરકાયદેસર છે. હાલમાં આંતરરાજ્ય બાળ તસ્કરી કૌભાંડની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના એસીપી અને મિસીંગ સેલના મહિલા PIને સોંપવામાં આવી છે, ત્યારે જો પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરે તો દેશભરમાં ચાલતા મોટા તસ્કરી કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More