Home> Gujarat
Advertisement
Prev
Next

IAS અને નેતાઓની હુંસાતુંસીમાં વડોદરાનો વિકાસ અટક્યો, કોણ સાચું કોણ ખોટું?

Vadodara News : વડોદરામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેશન પર આક્ષેપ ઉઠ્યા છે... શાસક પક્ષના નેતાઓએ ફાઈલો અટવાતી હોવાની કરી ફરિયાદ... તો આઈએએસ અધિકારીએ જણાવ્યું આ પાછળનું સાચું કારણ

IAS અને નેતાઓની હુંસાતુંસીમાં વડોદરાનો વિકાસ અટક્યો, કોણ સાચું કોણ ખોટું?

Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા શહેરના પશ્ચિમ ઝોનના વિકાસના કામો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના કારણે બંધ થયા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ રાજપુરોહિત સામાન્ય સભાની ઉપરવટ જઈ બજેટના કામોની ફાઈલ પણ સહી ન કરતા હોવાનો સ્ટેન્ડિંગ કમિટી સભ્યનો ગંભીર આક્ષેપ કરાયો.

fallbacks

અનેક સરકારી કામો અટવાયા 
વડોદરા શહેરમાં ગત ચોમાસામાં ભારે પૂર આવ્યું હતું, પૂરમાં અનેક લોકોને ભારે નુકસીની વેઠવી પડી હતી, ત્યારે આ વર્ષે પણ વડોદરા પાલિકાના નવનિયુક્ત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર IAS ગંગા સિંહ રાજપુરોહિતના જડ વલણના કારણે પશ્ચિમ ઝોનના નાગરિકોને ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યાથી ઝઝૂમવું પડશે. પશ્ચિમ ઝોનના વિકાસના કામોની ફાઇલ અને કોન્ટ્રાક્ટરોના બિલની ફાઇલ પર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ રાજપુરોહિત સહી જ નથી કરી રહ્યા. રાજ્ય સરકારે બનાવેલ ઈ-સરકાર પોર્ટલ પર ફાઈલ અપલોડ કરવાની અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ગંગા સિંહ રાજપુરોહિતે સૂચના આપી છે, જેથી ઈ-સરકાર પોર્ટલ પર ફાઈલ અપલોડ કરવાના કારણે તમામ ફાઈલો હાલમાં અટવાઈ છે. ગંગા સિંહ રાજપુરોહિત કોર્પોરેટરો, સ્ટેન્ડિંગ કમિટી સભ્યોએ સૂચવેલા કામો, બજેટની ફાઈલો તેમજ અન્ય રૂટિન કામોની ફાઈલો પર ઈ-સરકાર પોર્ટલનું કારણ આગળ ધરી સહી જ નથી કરી રહ્યા, જેના કારણે કોર્પોરેટરોના કામ નથી થઈ રહ્યાં. તો કોન્ટ્રાક્ટરોના બિલ પણ મંજૂર નથી થઈ રહ્યા, જેના કારણે છેલ્લા 5 દિવસથી પશ્ચિમ ઝોનના કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને કામ બંધ કરી દીધું છે. કોન્ટ્રાક્ટરોએ પેવર બ્લોક, પાણી, ડ્રેનેજ અને વરસાદી ગટરના કામો બંધ કરી દીધા છે, જેને લઈ આગામી ચોમાસામાં નાગરિકોને ભારે મુશ્કેલી પડશે તે નક્કી છે. 

આઈએએસ ઓફિસર ફાઈલ પર સહી જ નથી કરી રહ્યાં 
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ રાજપુરોહિતને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી સભ્યો સહિત અનેક કોર્પોરેટરોએ ફાઇલ પર સહી કરવા માટે રજૂઆત કરી છે. ઝોનમાં મળેલ સંકલનની બેઠકમાં પણ રજૂઆત કરી છે છતાં ગંગા સિંહ રાજપુરોહિત ફાઈલો પર સહી નથી કરી રહ્યા. પશ્ચિમ ઝોનના વિકાસના કામો અટવાતા નાગરિકો કોર્પોરેટર સમક્ષ રોષ વ્યક્ત કરી રહ્યા છે. 

અમદાવાદ પોલીસ સ્ટેશનોનું હદને લઈ મોટું કન્ફ્યુઝન દૂર થયું! કયા વિસ્તાર કોને ફાળવાયા?

જડવલણને કારણે નાગિરકોને ભોગવવું પડશે 
વડોદરા શહેરના ડેપ્યુટી મેયર અને વોર્ડ 11 ના કોર્પોરેટર ચિરાગ બારોટે કહ્યું કે, કોન્ટ્રાક્ટરો હડતાલ પર ઉતર્યા છે. કામ બંધ કરી દીધું છે. પશ્ચિમ ઝોનના મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ રાજપુરોહિત કોઈપણ ફાઈલ પર સહી ન કરતાં કોન્ટ્રાક્ટરોએ કામો બંધ કરી દીધા છે. અમે અધિકારીને ફાઈલો પર સહી કરવા અનેકવાર રજૂઆત કરી છતાં સંભાળતા નથી. જ્યારે સ્ટેન્ડિંગ કમિટી સભ્ય અને વોર્ડ 10 ના ભાજપ કોર્પોરેટર નીતિન દોંગાએ કહ્યું કે ગંગા સિંહ રાજપુરોહિતના કારણે વિકાસના કામો અટવાયા છે. ગંગા સિંહ રાજપુરોહિત સામાન્ય સભાની ઉપરવટ જઈ સામાન્ય સભાએ મંજૂર કરેલ બજેટના કામોની ફાઇલ પર પણ સહી નથી કરી રહ્યા. તમામ ફાઈલ તેમના ટેબલ પર પડેલી છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુને પણ રજૂઆત કરી છે છતાં કોઈ ઉકેલ હજી સુધી નથી આવ્યો. સામા ચોમાસે કોન્ટ્રાક્ટરોએ કામ બંધ કરી દેતા લોકોને હેરાન થવું પડી રહ્યું છે. 

વડોદરા કોન્ટ્રાક્ટર એસોસિયેશનના પ્રમુખ યતીન શાહે કહ્યું કે અમારા બિલની ફાઇલ પર ગંગા સિંહ રાજપુરોહિત સહી કરતાં ન હોવાથી કોન્ટ્રાક્ટરોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. ફાઈલો પર વહેલીતકે સહી કરવામાં આવે તે માટે મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. કોન્ટ્રાક્ટર એસોસિયેશન નવી સિસ્ટમ ઈ-સરકાર અપનાવવા તૈયાર છે પરંતુ બિલની રકમ વહેલીતકે આપવામાં આવે. 

જેને પણ મુશ્કેલી પડી રહી છે તેમને બેઠક માટે બોલાવ્યા - ગંગા સિંહ રાજપુરોહિત
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ રાજપુરોહિત પર આક્ષેપ થતા તેમણે કહ્યું કે ઈ- સરકાર નવો પોર્ટલ છે, જેનો રાજ્ય સરકાર અમલ કરી રહી છે. એટલે અમે પણ અમલ શરૂ કર્યો છે. કોન્ટ્રાક્ટરો અને પાલિકાના અધિકારી કર્મચારી નવી સિસ્ટમથી અજાણ હોવાથી સમજતા સમય લાગી રહ્યો છે. તમામ વિભાગની ફાઈલો ઓનલાઇન પોર્ટલ પર સબમિટ કરવાની હોય છે તે પદ્ધતિ શરૂ કરી છે. કોઈ બિલ રોકાયા નથી, જેને પણ મુશ્કેલી પડી રહી છે તેમને બેઠક માટે બોલાવ્યા છે, તેમની સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લેવાશે. ઈ-સરકાર સિસ્ટમથી ફાઈલનું સ્ટેટ્સ જાણવા મળશે તેમજ પારદર્શિતા પણ વધશે. 

મહત્વની વાત છે કે પારદર્શિતા વધારવા નવી સિસ્ટમ અમલમાં મૂકવી એ સારી વાત છે પણ નવી સિસ્ટમના કારણે ફાઈલો પર સહી ન કરવી તેમજ કામો બંધ કરવા સુધીની નોબત આવે તે કેટલું યોગ્ય છે તે સવાલ ઉઠી રહ્યો છે. ગંગા સિંહ રાજપુરોહિતનું જો આવું જ અક્કડ વલણ રહેશે તો ચોક્કસથી પશ્ચિમ વિસ્તારમાં રહેતા નાગરિકોને આ ચોમાસામાં પણ મુશ્કેલી વેઠવા તૈયાર રહેવું પડશે. સાથે જ આગામી સમયમાં ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓ વચ્ચે ફરી વાંક યુદ્ધ અને કોલ્ડ વોર થશે તે નક્કી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More