Gujarat Elections 2022 રવિ અગ્રવાલ/વડોદરા : ગઈકાલે વડોદરા શહેરની સિટી બેઠક પર ભાજપના મનિષા વકીલ, સાવલીથી ભાજપના કેતન ઇનામદાર, વાઘોડિયા બેઠક પર અપક્ષ ધર્મેન્દ્રસિંહે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં તેઓએ સંપત્તિની માહિતી પણ આપી, હતી. જેમાં વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લામાં સૌથી ધનિક ઉમેદવાર હોવાનું સામે આવ્યું છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની કુલ સંપત્તિ 110 કરોડ રૂપિયાની હોવાનું તેમણે ફોર્મમાં જણાવ્યું. માત્ર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ નહિ, તેમના પત્ની પણ લખપતિ છે. તેમના પત્નીની કુલ સંપત્તિ 90 લાખ છે.
વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વર્ષ 2017માં 97 કરોડ 82 લાખ 51 હજાર 699ની સંપત્તિ જાહેર કરી હતી. જો કે 2017ની ચૂંટણીમાં તેમનો ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે પરાજય થયો હતો. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ધર્મેન્દ્રસિંહે ફરી એકવાર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ વખતે ધર્મેન્દ્રસિંહે સોગંદનામામાં 1 અબજ 11 કરોડ, 98 લાખની સંપત્તિ જાહેર કરી છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં 14 કરોડ 15 લાખ 88 હજારનો વધારો થયો છે. તો તેમના માથા પર હાલ 27 કરોડનું દેવું છે.
ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જંગમ મિલકત 46 કરોડ અને સ્થાવર મિલકત 64 કરોડ રૂપિયા છે. આ સાથે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસે 12.56 કરોડના વાહનો છે, જેમાં 95 કોમર્શિયલ વાહન અને 5 મોટરકાર છે.
2017
ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 2017માં જંગમ મિલકતો 50.58 કરોડ રૂપિયા હતા. તેમના પત્નીની મિલકત 4.99 કરોડ રૂપિયા હતી. આશ્રિતની મિલકત 16.28 લાખ હતી. તો તેમની સ્થાવર મિલકત 45.91 કરોડ રૂપિયા હતી. તે વર્ષે તેમના માથે 33.33 કરોડ રૂપિયાનું દેવુ હતું.
2022
2022 માં ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંપત્તિમાં વધારો થયો છે. હાલ તેમની કુલ જંગમ મિલકત 46.79 કરોડ થઈ છે. પત્નીની 73.46 લાખ રૂપિયાની મિલકત બતાવાઈ છે. તો આશ્રિતની મિલકત 22.43 લાખ રૂપિયા બતાવાઈ છે. તેમની કુલ સ્થાવર મિલકત 64 કરોડ રૂપિયા થઈ છે. પત્નીની કુલ સ્થાવર મિલકત 17.75 લાખ રૂપિયા બતાવી છે. હાલ તેમના માથે 27 કરોડ રૂપિયાનું દેવુ છે.
વડોદરાના જિલ્લાના સૌથી ધનવાન ઉમેદવાર એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા માત્ર ધોરણ -10 ભણેલા છે, અને તેમના માથે એક પણ કેસ નથી તેવી માહિતી પણ તેમણે ફોર્મમાં જણાવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે