અમદાવાદઃ પૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેઈના નિધન બાદ તેમની અસ્થિનું ભારતની 100 અને ગુજરાતની 6 પવિત્ર નદીમાં વિસર્જન કરવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ શનિવારે વાજપેયીજીનાં અસ્થિઓનું વિવિધ નદીઓમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન પહેલાં દરેક સ્થળે શ્રદ્ધાંજલિ સભાના આયોજન સાથે જ શહેરમાં અસ્થિયાત્રા પણ કાઢવામાં આવી હતી.
વેરાવળમાં સંસ્કૃત યુનિવર્સિટીથી ત્રિવેણી સંગમ સુધીના 8 કિમીના માર્ગમાં વાજપેયીજીની અસ્થિયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. માર્ગમાં પણ અસંખ્ય લોકોએ પૂર્વ વડા પ્રધાનને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. સોમનાથ ખાતે આવેલા હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમસ્થળે રાજ્યસરકારના મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, આર.સી. ફળદુ, બાબુ જમના પટેલ, ભરત પંડ્યા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના નેતાઓની હાજરીમાં અટલજીનાં અસ્થિઓનું વસર્જન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 2001માં પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીજીના હસ્તે જ આ ઘાટનો શીલાન્યાસ કરવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં અટલજીની અસ્થિયાત્રા કાઢવામાં આવી હતી. જે હીરા બાગથી નિકળીને વરાછા, ચોક, ભાગળ, પાલનપુર પાટિયા અને જહાંગીર પુરા કુરુક્ષેત્ર સ્માશાનગૃહ ખાતે પહોંચી હતી. અહીં તાપી નદીમાં અટલજીનાં અસ્થિઓને વિસર્જિત કરવામાં આવ્યા હતા. સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અટલજીનો અસ્થિકળશ લઈને આવ્યા હતા અને તેમની સાથે શહેર ભાજપનાં નેતાઓએ તાપી નદીમાં અસ્થિઓ વિસર્જિત કર્યા હતા.
પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરને અડીને વહેતી પવિત્ર સરસ્વતી નદીમાં પણ વાજપેયીજીનાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને સિદ્ધપુરના આંબેડકર ચોક ખાતેથી અસ્થિ યાત્રા નીકળી હતી. જેમાં મંત્રી હરિભાઈ ચૌધરી, દિલીપ ભાઈ ઠાકોર, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, જી.આઈ. ડી.સી ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, જયનારાયણ વ્યાસ સહિતના આગેવાનો અને શહેરીજનો અસ્થિયાત્રામાં જોડાયા હતા. અસ્થિયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી સરસ્વતી નદીના ઘાટ પર પહોંચી હતી. જ્યાં શાસ્ત્રોક્ત વિધી દ્વારા વાજપેયીજીનાં અસ્થિઓનું વિસર્જન કરાયું હતું અને વિસર્જન સ્થળને "અટલ ઘાટ" નામ અપાયું હતું. ઉપરોક્ત તસવીરમાં સિદ્ધપુરમાં નિકળેલી અટલજીની અસ્થિયાત્રામાં જોડાયેલો માનવ મહેરામણ જોઈ શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે