Gujarat Monsoon Update: ગુજરાતમાં અનરાધાર વરસી રહેલાં વરસાદે હવે બધુ જ જળ તરબોળ કરી દીધું છે. દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. દેવભૂમિ દ્વારકા હોય કે પછી સંસ્કાર નગરી વડોદરા ચોમેર મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. સૌથી વધારે વરસાદની અસર હાલ ગુજરાતના સાઉથ ઝોનમાં જોવા મળી રહી છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેપિટલ ગણાતા સુરતમાં સતત વરસી રહેલાં ભારેથી અતિભારે વરસાદે સ્થિતિ વિકટ બનાવી દીધી છે. ભારે વરસાદને કારણે સુરતના કેટલાંય વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરત જ નહીં, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સંખ્યા બંધ લોકોનું સ્થળાંતર કરવાની પણ તંત્રને ફરજ પડી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ સાઉથમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ ચાલુ રહેશે. આજે પણ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા. દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો માટે રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સુરત, વલસાડ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને આધારે આ જિલ્લાઓમાં આજે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ-દાદરાનગર હવેલીમાં પણ પડશે અતિભારે વરસાદ. આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ રાજ્યના પંચમહાલ, દાહોદ, ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહીને પગલે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.
મહત્ત્વનું છેકે, માત્ર સુરત શહેર નહીં પરંતુ, બુધવારે તો આખું દક્ષિણ ગુજરાત વરસાદમાં ભીંજાયું. ખાસ કરીને નવસારી, તાપી અને ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ક્યાંક નદીઓમાં પશુ તણાયા તો ક્યાંક મકાનો ધરાશાયી થયા. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ પાણીમાં તરબોળ થઈ ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે