Vibrant Gujarat Summit 2024: ફરી એકવાર અમદાવાદમાં એક મોટા વિદેશી મહેમાનનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે. અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનો જેવા રોડ શો યોજાયો તેવો જ આ રોડ શો પુરા તામજામ સાથે યોજાવાનો છે. તંત્રએ તડામાર તૈયારીઓ કરી છે. કોણ છે આ વિદેશી મહેમાન? કેમ યોજાવાનો છે આ ભવ્ય રોડ શો?
ગુજરાતમાં ભવ્ય વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. ત્યારે સમિટ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં ફરી એકવાર મોટા રાષ્ટ્રધ્યક્ષ સાથે લાંબો રોડ શો કરવા જઈ રહ્યા છે. 9 જાન્યુઆરીએ UAEના પ્રમુખ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી સાત કિલોમીટર લાંબો રોડ શો યોજાશે.
UAEના રાષ્ટ્રપતિ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 9 જાન્યુઆરીએ ગુજરાતના અમદાવાદ પહોંચશે. પીએમ મોદીના UAEના રાષ્ટ્રપતિ સાથે ઘણા સારા સંબંધો છે. UAEના રાષ્ટ્રપતિ MBZ તરીકે ઓળખાય છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ દિવસીય વાઇબ્રન્ટ સમિટ માટે ગુજરાત સરકાર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.
વાઈબ્રન્ટ ગુજરાતમાં UAE મહેમાન
અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી આ પહેલા પણ વિશ્વના ઘણા દેશના રાષ્ટ્રધ્યક્ષો સાથે રોડ કરી ચુક્યા છે. જેમાં ડૉનાલ્ડ ટ્રમ્પ, જાપાનના તત્કાલિન પ્રધાનમંત્રી શિન્જો આંબે, ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂનો સમાવેશ થાય છે. હવે ફરી એકવાર અમદાવાદની ધરતી પર UAE જેવા મોટા દેશના પ્રમુખ સાથે પ્રધાનમંત્રી અમદાવાદની સેર કરશે. આ દ્રશ્યો જોઈને પાકિસ્તાન અને ચીન સહિત ભારતના દુશ્મનોની ઊંઘ હરામ થઈ જાય તો નવાઈ નહીં.
વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કરાઈ હતી. આ કાર્યક્રમ ગુજરાત સરકારનો છે. પરંતુ મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ પણ વાઈબ્રન્ટ સમિટને વધુ સક્સેસ બનાવવા સતત પ્રયત્નશિલ રહે છે. અને તેનો સીધો ફાયદો ગુજરાતને થતો રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે