Rajkot News: પાંચ-પાંચ દીકરાઓને એક ઓરડીમાં મોટા કરનારી મા, પાંચ-પાંચ બંગલામાં પણ નથી સચવાતી. આધુનિક જમાનાના દીકરા વૃદ્ધ માને સાચવવા તૈયાર નથી, અને આજની કપાતર વહુઓ વૃદ્ધ સાસુને માર મારે છે, તેમને ઘરમાંથી કાઢી મુકે છે. વાત રાજકોટની છે, જ્યાં કારખાના માલિક એક દીકરાએ પોતાની સખી જનેતાને ઘરમાંથી કાઢી મુકી, દીકરાની પત્નીએ સાસુને માર માર્યો.
દીકરાનું મૌન, માના આંસુ
જે માતાએ નવ મહિના પેટમાં રાખી, રાત-દિવસની મહેનતથી દીકરાને મોટો કર્યો, તે જ માતા આજે ઘરની બહાર લાચાર રડે છે. રાજકોટના જાનકી પાર્ક સોસાયટીની આ ઘટના દરેકનું હૃદય દ્રવી દે તેવી છે.
આ રડતી માતા છે ભંડેરી પરિવારની વૃદ્ધ માતા. લાખોનો બંગલો, કારખાનાનો વ્યવસાય, પરંતુ આ માતાને ઘરમાં સ્થાન ન મળ્યું. આરોપ છે કે નિર્દય વહુએ તેમને માર માર્યો અને ઘરમાંથી કાઢી મૂક્યાં. હદ તો ત્યારે થઈ જ્યારે દીકરાએ મૌન સેવ્યું, એક શબ્દ ન બોલ્યો.
કપાતર વહુનું કારસ્તાન
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલ જાનકી પાર્કમાં રહેતી વૃદ્ધાનો વીડિયો સોશિયલમાં વાયરલ થતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. આ વીડિયોમાં વૃદ્ધ મહિલા કહે છે કે, તેમના નાના દીકરાની વહુએ તેમને માર મારીને ઘરમાંથી કાઢી મુકવામાં આવી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર આ મહિલા કોઠારીયા રોડ પર જાનકી પાર્કમાં રહે છે. વૃદ્ધાના દીકરાઓને મોટરનું કારખાનું છે. આ વૃદ્ધાનું નામ વિજયાબેન તુલસીભાઈ ભંડેરી હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયોમાં વૃદ્ધા પોતાની આપવી હતી વર્ણવી રહ્યા છે. કોઠારીયા રોડ પર જાનકી પાર્કમાં રહેતા વૃદ્ધા વિજયાબેન તુલસીભાઈ ભંડેરીને નિર્દય પુત્રવધુ ગીતાબેને માર માર્યો હોવાનું વૃદ્ધા વીડિયોમાં કહેતા નજરે પડી રહ્યા છે. આગળ વીડિયોમાં પુત્રવધુ કહે છે કે, મને મારવા દોડ્યા એટલે મેં તેમને માર્યુ, આ પહેલા મને 5-6 વખત કાઢી મુકવામાં આવી છે.
રાજકોટ: નિર્દય પુત્રવધુએ સાસુને માર્યો માર, વૃદ્ધાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ #gujarat #rajkot #news #zee24kalak pic.twitter.com/yP7D5n4InF
— Zee 24 Kalak (@Zee24Kalak) May 28, 2025
શહેરનો જાગૃત યુવાન જ્યારે આ વૃદ્ધાને રોડ પરથી ઘરે લઈ ગયો તો વહુ અને દીકરાના મોઢા પર શરમનો એક છાંટો પણ નહતો, કળિયુગી કપાતર વહુ ખુલ્લેઆમ બોલી રહી હતી કે હા, મેં માર માર્યો હતો અને હું તેમને આ ઘરમાં નહીં જ રાખું. આવા દીકરા અને આવી વહુઓ પર ધિક્કાર છે.
આ ઘટના અંગે વૃદ્ધાના પુત્રએ જણાવ્યું કે, આ જે ઘટના બની છે તે સાચી છે. હવે સમાધાન થઈ ગયું છે, અમારા ઘરનાએ બાની માફી માગી લીધી છે. અગાઉ પણ સારી રીતે જ રાખવામાં આવતા હતા. પરંતુ આ કોઈ કારણોસર ગુસ્સામાં આ ઘટના બનેલ છે. અમને તેનું ખૂબ જ દુઃખ છે.
વૃદ્ધા મહિલાએ જણાવ્યું કે, મારી કોઈ માગ બાકી નથી. જો મને સાંચવશે તો હું રહીશ અને નહીં સાંચવે અને ફરીથી 4 મહિને-6 મહિને આવું કરશે તો હું ગમે તે રસ્તો અપનાવીશ. આ ઘટના સામે આવતા સ્થાનિક દ્વારા વૃદ્ધાનું પરિવાર સાથે સમાધાન પણ કરવવામાં આવ્યું છે. સમાધાન બાદ ફરી આવું ન બને તેની પરિવારે ખાતરી પણ આપી છે.
આ ઘટના માત્ર એક પરિવારની નથી, એ સમાજનો અરીસો છે. શું વૃદ્ધ થવું ગુનો છે? શું દીકરીઓ, જે પોતે કોઈની દીકરી છે, પોતાની સાસુને આવું દુ:ખ આપી શકે? આ ઘટના આપણને પ્રશ્નો પૂછે છે—શું આપણે આવી વહુઓને માફ કરી શકીએ? શું આપણો સમાજ આવી માનસિકતાને સ્વીકારશે?
આ કળિયુગી દીકરા અને કપાતર વહુએ એટલું સમજવું પડશે કે ઘડપણ તેમનું પણ આવશે. જો તેમના દીકરા આવું કરશે ત્યારે વેદના સમજાશે. ખાસ પરણીને આવેલી વહુઓએ સમજવું પડશે કે તેઓ પણ કોઈ માની જ દીકરી છે. આ માતાના આંસુ આપણને એક જ સવાલ પૂછે છે, જે માતા-પિતાએ આપણને જન્મ આપ્યો, ઉછેર્યા, શું તેમને ઢળતી ઉંમરે આવી વેદના જોવાની?...આ ઘટના આપણા સૌને વિચારવા મજબૂર કરે છે. આપણે આવી માનસિકતા સામે લડવું પડશે, જેથી કોઈ માતાને આવું દુ:ખ ન સહન કરવું પડે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે