Gujarat Bypolls Results 2025: સોમવારે કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. રાજકીય પંડિતો અલગ અલગ અનુમાનો લગાવી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આપે પોત પોતાની રીતે જીતના દાવા કર્યા છે ત્યારે કડી વિસાવદર બેઠક પર કોણ બાજી મારે છે તેના પર સૌની નજર મંડાઇ છે.
વિસાવદરના મતદારો ફરી ગોપાલ ઇટાલિયાને પસંદ કરશે?
ગત વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પર મતદારોએ આપના ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો, પરંતુ પાછળથી ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કેસરિયો ખેસ પહેરીને પક્ષપલટો કર્યો હતો. હવે વિસાવદરના મતદારો ફરી ગોપાલ ઇટાલિયાને પસંદ કરશે કે પછી ભાજપ બાજી મારશે તે આજના પરિણામ પરથી જ ખબર પડશે.
વિસાવદરની ચૂંટણી કેટલાંક નેતાઓની રાજકીય કારકીદી નક્કી કરશે?
બીજી બાજુ વિસાવદર બેઠકનું ગણિત કહે છે કે ભાજપ છેલ્લા 17 વર્ષથી આ બેઠક જીતી શક્યું નથી, પરંતુ જો આજે ભાજપ વિસાવદર બેઠક જીતવામાં સફળ થાય તો 17 વર્ષનો વનવાસ પૂર્ણ થશે. વિસાવદરની ચૂંટણીનું પરિણામ જયેશ રાદડિયા સહિત સૌરાષ્ટ્રના કેટલાંક નેતાઓની રાજકીય કારકીદી પણ નક્કી કરશે.
ઇટાલિયા જીતે તો ગુજરાતમાં ફરી આમ આદમી પાર્ટીનો ઉદય થશે!
પરંતુ વિસાવદર બેઠક પર આજે મોટો ઉલટફેર થાય છે અને આપના ઉમેદવાર ઇટાલિયા જીતે તો ગુજરાતમાં ફરી આમ આદમી પાર્ટીનો ઉદય થશે જે કોંગ્રેસ માટે જોખમી પુરવાર થઈ શકે છે, કારણ કે આગામી વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે, અને એવામાં મતોમાં ભાગલા પડાવે તો કૉંગ્રેસને પોસાય એમ નથી. આજે આપની જીતથી કોંગ્રેસને ફરી સત્તાથી દૂર ઘેર રહેવાનો વારો આવે તેવું રાજકીય અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સોમવારે બપોર સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે
કડી બેઠક તો ભાજપનો ગઢ સમાન છે. પરંતુ આ વખતની પેટાચૂંટણીમાં કોંગ્રેસે પોતાનું જોર લગાવ્યુ છે. આ બેઠક પર ઉમેદવાર પસંદગીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગજ વાગ્યો નથી પણ પરિણામ પરથી ઉત્તર ગુજરાતના ભાજપના નેતાઓનું પાણી ચોક્કસપણે મપાઈ જશે. કડી બેઠક પર એક મહિલા સહિત કુલ 24 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયુ છે ત્યારે સોમવારે બપોર સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે