Gujarat Election 2022, રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ભાજપનું લિસ્ટ જાહેર થયા બાદ સૌથી વધુ ચર્ચામાં જો કોઈની હોય તો મધુ શ્રીવાસ્તવની છે. હવે મધુ શ્રીવાસ્તવને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી તમામ હોદ્દાઓ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. સોમવાર સુધીમાં ફોર્મ ભરી ચૂંટણી લડવાનો હુંકાર પણ કર્યો છે.
વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી રાજીનામું આપી દીધા બાદ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મેં હાઈકમાન્ડને જાણ કરી હતી અને બે દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ બે દિવસ પછી પણ તેમનો કોઈ જવાબ મળ્યો નહોતો. જેથી હું ભાજપના તમામ હોદ્દાઓ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. પોતાની ઓફિસ ખાતે કાર્યકરોને ભેગા કરી મધુ શ્રીવાસ્તવ જાહેરાત કરી છે. મધુ શ્રીવાસ્તવ હવે અપક્ષ તરીકે ચૂંટણી લડશે. મોટી સંખ્યામાં કાર્યકરો આજે મધુ શ્રીવાસ્તવની ઓફિસ ખાતે ભેગા થયા છે. મધુ શ્રીવાસ્તવ સાથે તેમનો પરિવાર પણ હાજર રહ્યો હોવાની વાત સામે આવી છે.
રાજીનામું આપ્યા બાદ મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભાજપે મારી ટિકિટ કાપતા મારા કાર્યકર્તાઓ નારાજ થયા છે. કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને મેં રાજીનામુ આપ્યું છે. હું ભારતીય જનતા પાર્ટીને રામ રામ કરું છું. હું ચૂંટણી લડવાનો જ છું. એમાં કોઈ શંકા નથી. મારા કાર્યકરો અને કમિટી કહેશે તો ચૂંટણી લડીશ, હું અપક્ષ તરીકે પણ ચૂંટણી લડીશ. પરંતુ અપક્ષમાં જીત્યા બાદ ભાજપમાં નહી જોડાઉ. પ્રાણ જાય પણ વચન નહીં જાય. બીજી બાજુ મધુ શ્રીવાસ્તવે સંકેત આપ્યો હતો કે કાર્યકરો કહેશે તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના કે જનતા દળમાંથી ચૂંટણી લડીશ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ખુબ લાંબા સમયથી ભાજપનો કાર્યકર રહ્યો છું. પાર્ટીએ મને લાંબા સમયથી સેવા કરવાની તક આપી. પરંતુ ભાજપે આ વખતે મને ટિકિટ ન ફાળવી. જેના કારણે મારા કાર્યકર્તાઓ નારાજ થયા છે. હું હજુ સમાજની સેવા કરવા માગુ છું. હું 500 કાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામું આપુ છું. મેં ભાજપ માટે તન, મન અને ધનથી કામ કર્યું છે. પાંચ ટર્મ સુધી સેવા કરવાની તક આપી તે માટે ભાજપનો આભાર છે, મને કોઇ મનાવવા આવ્યું નથી.
મહત્વનું છે કે, દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવની ભાજપે ટિકિટ કાપી છે. મધુ શ્રીવાસ્તની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ભાજપે વાઘોડિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યાં છે. ત્યારે મધુ શ્રીવાસ્તવને ટિકિટ નહિ મળતાં તેઓ બાગી થયા છે. તેઓએ નારાજગી સાથએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી.
વાઘોડીયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે કંઈક નવાજૂની કરવાની ફિરાકમાં છે. ભાજપે ટિકિટ કાપતા મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસનો સંપર્ક કર્યો હોવાની વાત સામે આવી હતી. મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસના એક મોટા આદિવાસી નેતા સાથે ગુપ્ત બેઠક પણ કરી હોવાનું રાજનૈતિક સૂત્રો જણાવી રહ્યા હતા.
દીકરીએ ભાજપ પર રોષ ઠાલવ્યો
મધુ શ્રીવાસ્તવની ટીકીટ કપાતા તેમના પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેમની દીકરીએ રોષ વ્યક્ત કર્યો. મધુ શ્રીવાસ્તવના પુત્રી અને ભાજપ નેતા નીલમ શ્રીવાસ્તવે કહ્યું કે, મારા પિતાની ટિકિટ કાપી ભાજપે અપમાન કર્યું છે. મારા પિતા અપક્ષ ચૂંટણી લડશે અને જીતશે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 20 ઉમેદવારોમાંથી મારા પિતાએ 18 ઉમેદવાર જીતાડ્યા છે. અશ્વિન પટેલ જિલ્લા પંચાયતની ચૂંટણી નહિ જીતી શક્યા તો વિધાનસભા કેવી રીતે જીતશે.
મહત્વનું છે કે, મધુ શ્રીવાસ્તવની દીકરી પણ ભાજપમાં સક્રિય છે. ભાજપ નેતા અને મધુ શ્રીવાસ્તવની દીકરીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારા પિતા અપક્ષથી ચૂંટણી લડીને જીતવાના છે, તે નક્કી છે. સાથે જ તેમણે કહ્યું કે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 20 માંથી 18 ઉમેદવારને મારા પિતાએ જીતાડ્યા હતા. અશ્વિન પટેલ જિલ્લા પંચાયતમાં ન જીતી શક્યા તો તેઓ વિધાનસભામાં કઈ રીતે જીતી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે