Weather Alert : ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જામતા હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યુ છે. જેમાં આગામી ત્રણ કલાક અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
ઉત્તર અને પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહેસાણા, મહીસાગર, પાટણ, દાહોદ અને આણંદમાં રેડ એલર્ટ છે. આજે સતત બીજા દિવસે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
ગાંધીનગર સંત સરોવર ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા
સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે સંત સરોવર ડેમમાં પાણીની મર્યાદા વધારી દેવાઈ છે. ઉપરના શહેર, તાલુકામાં ભારે વરસાદને કારણે ગાંધીનગરના સંત સરોવર ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. લાખો ક્યુસેક પાણી ડેમમાં પ્રવેશ્યું છે. જેથી નીચાણવાળા વિસ્તારો પર સંકટ આવી શકે છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર થઇ છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં શ્રીકાર વરસાદ નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ખેડા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ ૬ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. જેમાં નડિયાદ તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૧૦.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અમદાવાદના દસ્ક્રોઈ તાલુકામાં પણ ગત ૨૪ કલાકમાં ૧૦ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
તાલુકાની વાત કરીએ તો, ગત ૨૪ કલાકમાં ખેડાના મહેમદાબાદ તાલુકામાં ૯ ઈંચથી વધુ, માતર તાલુકામાં ૮ ઈંચથી વધુ, મહુધા તાલુકામાં ૭ ઈંચથી વધુ, વાસો તાલુકામાં 6 ઈંચથી વધુ તેમજ કઠલાલ તાલુકમાં અને આણંદના ઉમરેઠ તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત, ખેડા તાલુકામાં તથા અમદાવાદના સાણંદ, બાવળા અને ધોળકા તાલુકામાં પણ ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વધુમાં, ખેડાના ગળતેશ્વર અને ઠાસરા, ડાંગના વઘઈ અને સુબીર, આણંદના બોરસદ અને આણંદ, અરવલ્લીના ભિલોડા, બનાસકાંઠાના ભાભર, પંચમહાલના જાંબુઘોડા, છોટાઉદેપુરના બોડેલી, વડોદરાના દેસર તેમજ પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૩-૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના ૧૪ તાલુકામાં ૨ ઈંચથી વધુ, ૪૮ તાલુકામાં ૧ ઈંચથી વધુ જ્યારે, ૧૧૨ તાલુકામાં ૧ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૧ જિલ્લાના ૧૯૮ તાલુકામાં સરેરાસ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ આજે તા. ૨૮ જુલાઈ, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૧ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત ઝોનમાં સૌથી વધુ ૬૫ ટકા, કચ્છ ઝોનમાં ૬૪ ટકાથી વધુ, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૩ ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં ૬૨ ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો ૫૫ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે