ઉદય રંજન/અમદાવાદ: અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીની દક્ષિણ આફ્રિકામાં ધરપકડ કરવામાં આવી છે. અને તેને ભારત લાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે રવિ પૂજારીને ભારત વાપસીને એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. તો પોલીસને રવિ પૂજારીનો શ્રીલંકાનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. મહત્વની વાતએ છે, કે રવિ પૂજારીની ધરપકડમાં ગુજરાત પોલીસની મહત્વની ભૂમિકા છે.
ગુજરાત એટીએસના એસપી હિમાંશુ શુક્લાએ કેન્દ્રીય એજન્સીઓને રવિ પૂજારી અંગે ગુપ્ત માહિતી આપી હતી. અને એ બાતમીના આધારે કેન્દ્રીય એજન્સીઓએ રવિ પૂજારીની દક્ષિણ આફ્રિકાના સેનેગલમાંથી ધરપકડ કરી છે. જો કે તેને લાવવા માટે 7થી8 દિવસનો સમય લાગી શકે છે. તપાસ એજન્સીઓ રવિ પૂજારીને ભારત લાવવા માટે કામે લાગી છે. ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ રવિ પૂજારીની પૂછપરછ કરી શકે છે.
મહત્વનું છે કે, રવિ પૂજારીએ ભારતમાં અનેક લોકોને ધમકી આપી હતી. જેમાં ગુજરાતમાં પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને રવિ પૂજારીએ ધમકી આપી હતી, આ સહિત ગુજરાતના અનેક બિલ્ડરોને પણ ધમકી આપીને કરોડો પડાવી લીધાના સમાચાર મળ્યા હતા. જિગ્નેશ મેવાણીને પણ રવિ પૂજારીના નામથી ધમકી મળી ચૂકી છે. ગુજરાતમાં 30થી વધુ ગુના દાખલ થયેલા છે. ખંડણી, મારી નાખવાની ધમકીના ગુના દાખલ થયેલા છે. બિલ્ડરો, રાજકીય નેતાઓ પાસેથી માગી હતી ખંડણી. સૂત્રોના જણાવ્યા મુજબ કરોડો રૂપિયા ચૂકવ્યા. કેટલાક લોકોએ હજુ સુધી ફરિયાદ પણ નથી કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે