Maharashtra Nanded 24 patients Died: મહારાષ્ટ્રના નાંદેડમાં સ્વાસ્થ્ય વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. છેલ્લા 24 કલાકમાં 24 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. મૃતકોમાં 12 શિશુઓ અને 12 મોટા લોકો સામેલ હતા. તેઓ તમામ સારવાર માટે નાંદેડના ડો. શંકરરાવ ચૌહાણ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં દાખલ હતા. હોસ્પિટલના અધિકારી એક દિવસમાં આટલા મોત પર ગોળ ગોળ વાતો કરી રહ્યા છે. બીજી બાજુ રાજ્યના વિપક્ષી દળોએ પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતને બરતરફ કરવાની માંગણી અંગે એકનાથ શિંદે સરકાર પર પ્રહાર કર્યા છે.
કઈ રીતે થયા આટલા મોત
હોસ્પિટલના ડીન એસ.વાકોડેએ મીડિયાને જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ 12 શિશુઓના અલગ અલગ કારણસર મોત થયા. મૃતકોમાં 6 બાળક અને 6 બાળકીઓ હતી. જ્યારે મૃતકોમાં 12 વયસ્કોમાં મોટાભાગના સાપના દંશથી મૃત્યુ પામ્યા. તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા મોટાભાગના દર્દીઓને પહેલેથી જ ગંભીર બીમારી હતી. તેમણે હોસ્પિટલમાં સંસાધનોની કમીના રોંદણા પણ રડ્યા.
વિપક્ષે સરકારને આડે હાથ લીધી
બીજી બાજુ કોંગ્રેસેસ નાંદેડમાં 24 દર્દીઓના મોત પર શિંદે સરકાર પર નિશાન સાધ્યું છે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિષય પર બોલવું જોઈએ. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે દવાઓની કમીના પગલે મહારાષ્ટ્રમાં 12 શિશુઓ સહિત 24 દર્દીઓના મોત થયાના દુખદ સમાચાર મળ્યા. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ. તેમણે કહ્યું કે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારોને વળતર આપવામાં આવે.
આ ગંભીર મુદ્દો
રાજ્યના પૂર્વ સીએમ અને નાંદેડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચૌહાણે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મૃતકો ઉપરાંત જિલ્લાની બીજી હોસ્પિટલોમાં પણ 70 દર્દીઓ રેફર કરાયા છે. જેમની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે એક જ દિવસમાં હોસ્પિટલમાં આટલા લોકો માર્યા ગયા. આ એક ગંભીર મુદ્દો છે.
ટ્રિપલ એન્જિન સરકાર જવાબદાર
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેએ નાંદેડની સરકારી હોસ્પિટલમાં થયેલા દર્દીઓના મોત પર ઊંડું દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે પ્રદેશની ટ્રિપલ એન્જિન સરકાર મારયા ગયેલા 24 નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર છે. શિવસેના (યુબીટી)ના ઉપ નેતા સુષમા અંધારેએ પણ આ મામલે શિંદે સરકારને ઘેરી. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રી સાવંત સંપૂર્ણ રીતે ફેલ થયા છે. સીએમ શિંદેએ તેમને તરત મંત્રીમંડળમાંથી બરતરફ કરવાની માંગણી કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે