કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે. અત્યાર સુધી કર્મચારીઓ 18000 રૂપિયા ન્યૂનતમ બેઝિક સેલરી વધીને 51,000 રૂપિય થશે તેવી આશા રાખી બેઠા હતા પરંતુ એક નવા રિપોર્ટ મુજબ બેઝિક સેલરીમાં ઓછા રૂપિયા વધે તેવી શક્યતા છે. આઠમાં પગાર પંચ લાગૂ થવાથી કર્મચારીઓના પગારમાં સરેરાશ 13 ટકાનો વધારો થઈ શકે છે. અત્યાર સુધી એવી આશા હતી કે કર્મચારીઓનો પગાર 3 ગણો થઈ શકે છે. પરંતુ નવા રિપોર્ટથી કર્મચારીઓના સપના તૂટી શકે છે.
કેટલો વધશે લઘુત્તમ પગાર
કોટક ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટિઝના રિપોર્ટ મુજબ આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.8 રાખવામાં આવી શકે છે. જેનો અર્થ એ થાય કે વર્તમાન પગારને 1.8 સાથે ગુણવામાં આવે તો નવો પગાર નક્કી થશે. આ હિસાબે લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધીને 30,000 રૂપિયા માસિક થઈ શકે. જ્યારે અત્યાર સુધી એવા સમાચાર સામે આવતા હતા કે વધીને 51,000 રૂપિયા થઈ શકે છે. પગાર અંગે આ નવી સંભાવનાઓથી કર્મચારીઓને ઝટકો મળી શકે છે.
શું છે આ ફિટમેન્ટ ફેક્ટર
ફિટમેન્ટ ફેક્ટર એક મલ્ટીપ્લાયર હોય છે જેની મદદથી જૂના પગારને નવા વેતનમાં ફેરવવામાં આવે છે. જેમ કે સાતમાં પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતું જેનાથી કર્મચારીઓના પગારમાં ઘણો વધારો થયો હતો.
લાગૂ થવામાં વાર કેમ
રિપોર્ટ મુજબ સરકારે જાન્યુઆરી 2025માં આઠમાં પગાર પંચની જાહેરાત તો કરી દીધી પરંતુ હજુ સુધી તેના Terms of Reference (ToR) નક્કી થયા નથી કે ન તો પંચના સભ્યોની નિયુક્તિ થઈ છે. કોટકનું અનુમાન છે કે આયોગના રિપોર્ટને આવવામાં દોઢ વર્ષ તો લાગી શકે છે અને ત્યારબાદ સરકારને તેને મંજૂરી આપવામાં તથા લાગૂ ક રવામાં 3થી 9 મહિનાનો સમયગાળો લાગી શકે છે.
કેટલો ખર્ચ આવશે
કોટકના જણાવ્યાં મુજબ પગાર પંચને લાગૂ કરવામાં સરકાર પર 2.4 થી 3.2 લાખ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ આવશે જે GDP ના લગભગ 0.6-0.8% હશે. સૌથી વધુ ફાયદો Grade C ના કર્મચારીઓને થઈ શકે છે. જે કેન્દ્ર સરકારની વર્કફોર્સના 90% ભાગ છે.
ખર્ચ અને સેવિંગ્સ પર અસર
ગત પગાર પંચની જેમ જ આ વખતે પણ કાર, FMCG જેવા ક્ષેત્રે પણ ખર્ચ વધવાની શક્યતા છે. કોટકનું કહેવું છે કે તેનાથી લોકોની બચત પણ વધશે. અનુમાન છે કે પગાર વધવાથી 1 થી 1.5 લાખ કરોડ રૂપિયાની વધારાની બચત થઈ શકે છે. જે શેરબજાર, બેંક ડિપોઝિટ અને ફિઝિકલ એસેટ્સમાં રોકાણ થઈ શકે છે.
21 જુલાઈ 2025ના રોજ સંસદમાં એક લેખિત જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, આઠમાં પગાર પંચ અંગે કામ શરૂ થઈ ગયું છે. મંત્રાલયે રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય, કાર્મિક વિભાગ અને રાજ્યો પાસેથી સૂચનો માંગ્યા છે. જ્યારે પંચ પોતાની ભલામણો આપશે અને સરકાર તેને મંજૂરી આપશે ત્યારબાદ નવું પગાર પંચ લાગૂ કરાશે.
અત્રે જણાવવાનું કે દર 10 વર્ષે નવું પગાર પંચ બને છે જેવાથી સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોંઘવારી અને અન્ય ખર્ચાઓને ધ્યાનમાં રાખતા ફેરફાર કરાય છે. આ અગાઉ સાતમું પગાર પંચ 2016માં લાગૂ કરાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે