અમદાવાદમાં 12 જૂનના રોજ ઘટેલી એર ઈન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનાની હાલ તપાસ ચાલુ છે. એક રિપોર્ટમાં એવી વાત જણાવવામાં આવી છે કે ત્યારબાદ દરેક ભારતીયને આઘાત લાગી શકે છે. આ રિપોર્ટ ભારતનો નથી. આ રિપોર્ટમાં શું જણાવેલું છે તે જાણવું પણ જરૂરી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના હવાલે વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોકપિટમાં બે પાઈલોટ્સ વચ્ચે થયેલી વાતચીતના રેકોર્ડિંગથી જાણવા મળ્યું છે કે વિમાનના કેપ્ટને એન્જિનમાં ઈંધણના સપ્લાયને કંટ્રોલ કરનારી સ્વિચ બંધ કરી દીધી હતી.
રિપોર્ટમાં શું છે?
આ અકસ્માતમાં 260 લોકોના જીવ ગયા હતા. રિપોર્ટ મુજબ આ રેકોર્ડિંગ અમેરિકી અધિકારીઓની પ્રાથમિક તપાસ પર આધારિત છે. જેમાં અકસ્માત સંલગ્ન પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રેકોર્ડિંગમાં સાંભળવા મળ્યું છે કે ફર્સ્ટ ઓફિસર જે બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન ઉડાવી રહ્યા હતા તેમણે કેપ્ટનને પૂછ્યું કે તેમણે વિમાનના ઉડાણ ભર્યા બાદ ઈંધણ સ્વિચ કટઓફ કેમ કરી. ફર્સ્ટ ઓફિસર આ વાતથી ચોંકાયેલો અને ગભરાયેલો લાગતો હતો જ્યારે કેપ્ટન એકદમ શાંત લાગતા હતા.
એર ઈન્ડિયાનું હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન નથી આવ્યું
આ મામલે ભારતની ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન(DGCA) બોઈંગ અને એર ઈન્ડિયા તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. અકસ્માતમાં સામેલ બે પાઈલોટ્સના નામ કેપ્ટન સુમીત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર હતા. કેપ્ટન સભરવાલ પાસે 15638 કલાક અને ફર્સ્ટ ઓફિસર કુંદર પાસે 3403 કલાકનો ઉડાણનો અનુભવ હતો. ગત અઠવાડિયે ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોએ એક પ્રાથમિક તપાસ રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં કોકપિટમાં અકસ્માતની બરાબર પહેલા ભ્રમની સ્થિતિ હોવાની વાત સામે આવી હતી. આ રિપોર્ટે એન્જિનના ઈંધણ કટઓફ સ્વિચની સ્થિતિ પર નવા સવાલ ઊભા કર્યા હતા.
એર ઈન્ડિયાની તપાસ, કોઈ ખરાબ ન જણાઈ
આ બધા વચ્ચે એર ઈન્ડિયાએ બુધવારે જાહેરાત કરી કે તેણે પોતાના તમામ બોઈંગ 787-8 વિમાનોના ફ્યૂલ કંટ્રોલ સ્વિચ (FCS) ના લોકિંગ મિકેનિઝમની તપાસ પૂરી કરી છે. એરલાઈને પોતાના પાઈલોટ્સને મોકલેલા એક સંદેશામાં જણાવ્યું કે આ તપાસમાં કોઈ ખરાબી જણાઈ નથી. એર ઈન્ડિયાએ કહ્યું કે, અમારી એન્જિનિયરિંગ ટીમે ગત વીકેન્ડ પર તમામ બોઈંગ 787 વિમાનોના ફ્યૂલ કંટ્રોલ સ્વિચની તપાસ શરૂ કરી હતી. આ તપાસ પૂરી થઈ ગઈ છે અને કોઈ સમસ્યા જણાઈ નથી. આ તપાસ DGCAના 14 જુલાઈના બહાર પડેલા નિર્દેશ બાદ કરાઈ હતી.
એર ઈન્ડિયાએ એ પણ પુષ્ટિ કરી કે તમામ બોઈંગ 787-8 વિમાનોમાં થ્રોટલ કંટ્રોલ મોડ્યૂલ (TCM)ને બોઈંગના મેન્ટેનન્સ શેડ્યૂલ મુજબ બદલવામાં આવ્યા છે. ફ્યૂલ કંટ્રોલ સ્વિચ પણ તેનો એક ભાગ છે. આ અકસ્માત અને તેના નવા ખુલાસાએ વિમાનન સુરક્ષા અંગે અનેક સવાલ ઊભા કર્યા છે. તપાસ હજુ ચાલુ છે અને તમામની નજર એ વાત પર ટકેલી છે કે આ મામલે વધુ શું જાણકારી સામે આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે