એર ઈન્ડિયાની ફ્લાઈટના ભીષણ અકસમાતની પ્રાથમિક તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે. વિમાન ટેકઓફ કરતા જ તૂટી પડ્યું અને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. જેમાં 260થી વધુ લોકોના મોત થયા હતા. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો AAIB દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિમાન ટેકઓફની ગણતરીની સેકન્ડ બાદ બંને એન્જિનનું ઈંધણ અચાનક કટ થઈ ગયું હતું. જેના કારણે વિમાન કંટ્રોલ બહાર થઈ ગયું અને ક્રેશ થયું. તેનો અર્થ એ થયો કે ટેકઓફ કર્યાના ગણતરીની પળોમાં બંને એન્જિન બંધ થઈ ગયા.
પ્રાથમિક તપાસ રિપોર્ટના ચોંકાવનારા તારણો
- વિમાને 08:08:42 UTC પર 180 નોટ્સની મહત્તમ સ્પીડ (IAS) મેળવી.
- તે જ સમયે એન્જિન 1 અને એન્જિન 2નો ફ્યૂલ કટ ઓફ સ્વિચ એક એક સેકન્ડના અંતરે RUN થી કટઓફ થઈ ગયો. જેના કારણે બંને એન્જિનની તાકાત ઘટવા લાગી.
- કોકપિટ રેકોર્ડિંગમાં એક પાઈલોટ બીજા પાઈલોટને પૂછે છે કે તમે એન્જિન કેમ બંધ કર્યું? જવાબમાં બીજો પાઈલોટ કહે છે કે તેણે આવું નથી કર્યું.
- ઉડાણ ભર્યા બાદ તરત Ram Air Turbine બહાર આવી ગયું. જે દર્શાવે છે કે વિમાનમાં ગંભીર ટેક્નિકલ ખામી આવી.
- સીસીટીવી ફૂટેજમાં કોઈ પક્ષી અથડાવવાની ઘટના જોવા નથી મળી.
- 408:08:52 થી બંને એન્જિનોના ફ્યૂલ સ્વિચ પાછા રન કરવામાં આવ્યા.
- એન્જિન 1માં રિલાઈટ (ફરીથી ચાલુ થવાની) ની પ્રક્રિયા સફળ રહી.
- એન્જિન 2 ચાલુ તો થયું પરંતુ તેની તાકાત ફરીથી સ્થિર થઈ શકી નહીં.
- 08:09:05 UTC પર પાઈલોટે 'માય ડે' કોલ આપ્યો.
- એર ટ્રાફિક કંટ્રોલે જવાબ માંગ્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. વિમાન એરપોર્ટની દીવાલ પાર કરતા પહેલા જ નીચે પડ્યું.
- 08:14:44 પર એરપોર્ટની ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી.
- દુર્ઘટનાસ્થળનું ડ્રોનથી રેકોર્ડિંગ કરાયું અને કાટમાળ સુરક્ષિત જગ્યાએ લઈ જવાયો.
- એન્જિનો અને અન્ય જરૂરી ભાગોની તપાસ માટે સુરક્ષિત કરાયા.
- વિમાનમાં નાખવામાં આવેલું ઈંઘણ માપદંડો મુજબ યોગ્ય જણાયું.
- APU અને ડાબા પંખથી મર્યાદિત ઈંધણના નમૂના લેવાયા, જેની આગળ તપાસ કરાશે.
- ક્રુ અને મુસાફરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટની સમીક્ષા થઈ રહી છે. અત્યાર સુધી B787-8 વિમાન અને GE GEnx-1B એન્જિનને લઈને કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી. તપાસ ટીમ હજુ વધુ પુરાવા અને જાણકારી ભેગી કરી રહી છે.
ટેક્નિકલ સ્થિતિ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિમાનના ફ્લેપ લેન્ડિંગ ગિયર અને થ્રસ્ટ લીવર સામાન્ય સ્થિતિમાં હતા. હવામાન પણ ચોખ્ખુ હતું અને કોઈ પક્ષી અથડાવવાની ઘટના ઘટી નથી. ઈંધણના નમૂના યોગ્ય હતા પરંતુ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી ખુબ ઓછું ઇંધણ મળ્યું છે. 2018માં FAAએ આવા ફ્યૂલ કંટ્રોલ સ્વિચના લોકિંગ મિકેનિઝમ અંગે એક એડવાઈઝરી બહાર પાડી હતી પરંતુ તેનું અનિવાર્ય નીરિક્ષણ સ્વીકારાયું નહતું. એર ઈન્ડિયાએ આ નીરિક્ષણ કરાવ્યું નહતું.
રિપોર્ટ હજુ કોઈ એક કારણને નક્કી માની રહ્યો નથી. પરંતુ એ ક્લિયર છે કે બંને ફયૂલ સ્વિચનું અચાનક બંધ થઈ જવું આ ત્રાસદીનું કારણ બન્યું. AAIB ની ટીમમાં પાઈલોટ, એન્જિનયર, મનોવૈજ્ઞાનિક અને વિશેષજ્ઞ સામેલ છે. હજુ વધુ પુરાવાનું વિશ્લેષણ થઈ રહ્યું છે. એકમાત્ર જીવિત બચેલા મુસાફરના નિવેદન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ તપાસનો હિસ્સો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે